રાજ્યભરમાં આસ્થાના કેન્દ્રસમા જાણીતાં મંદિર ફાગણી પુનમ નિમિતે કોરોના અંગે કેટલીક તકેદારી રાખવાની સાથે ખુલ્લા રહેશે. જ્યારે ભક્તોની ભીડથી ઉભરાતું ડાકોર અને દ્વારકા મંદિર આ વખતે સુમસામ નજરે પડશે તો અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે. આ વખતે ભીડ ના થાય તે માટે ખાસ સુરક્ષા કરવામાં પણ આવી છે. જ્યારે દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં બે ડીવાયએસપી, ત્રણ પી.આઈ, દસ પી.એસ.આઈ સહિતના અઢીસો જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે. જેમાં સો પોલીસ જવાનો અને સો જેટલા ગ્રામ રક્ષક દળના જવાનો સુરક્ષા ફરજ પર હાજર રહેશે. આ ઉપરાંત મંદિર આસપાસ ભીડ ના થાય તે માટે બેરીકેટ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ સાદગીપૂર્વક પૂજારી પરિવાર અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ વ્યવસ્થાપક સમિતિ ઉજવશે. 51 શક્તિ પીઠ અંબાજીમાં માં અંબાના ચાચરચોકમાં ધુળેટીના દિવસે ફૂલો દ્વારા હોળી ધુળેટી યોજાય છે. જોકે, દર વર્ષની જેમ આ વખતે હોળી નહીં ખેલાય. કોરોના મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ફુલહોડ હોળી બંધ રાખવામાં આવી છે. જોકે, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માના દર્શન કરી શકશે.
