ગાંધીનગર: કોરોનાની મહામારીના સમયમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પ્રમાણે ગુજરાતને 3950 કરોડ રૂપિયાની સહાય કરી છે, જેની સાથે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના 2259 કરોડ રૂપિયા ગુજરાતે છૂટા કર્યા છે. આ બન્ને સહાય મળીને કુલ 6210 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને તેના લાભ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની સ્થિતિમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે 3950 કરોડના લાભ મળી રહ્યા છે, જેની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના નાગરિકો-પ્રજાજનોની આ વિકટ સ્થિતિમાં સહાયરૂપ થવા 2259 કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ આપવાના શરૂ કરી દીધા છે.
કેન્દ્રના પેકેજના લાભ કોને મળી રહ્યાં છે…
1. પી.એમ. કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડુતોને 2000 નો પ્રથમ હપ્તો એપ્રિલ મહિનાના પ્રથમ આઠવાડિયાથી ચુકવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ગુજરાતના 47,81,426 ખેડુત લાભાર્થીઓને લાભ કુલ 956.28 કરોડનો લાભ આપવામાં આવી રહ્યો છે.
2. જાહેર વિતરણ યોજના હેઠળ દર મહિને વ્યક્તિદીઠ વધારાનું પાંચ કિલો અનાજ અને પરિવાર દીઠ એક કિલો કઠોળ ત્રણ મહિના માટે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. રાશન કાર્ડ ધારકને આપવામાં આવતું દર મહિનાના કોટા ઉપરાંતનું આ અનાજ રહેશે. જે અંતર્ગત ગુજરાતના 68 લાખ કાર્ડ ધારકોને લાભ મળશે. જે માટે આશરે 1,182 કરોડના ખર્ચનો અંદાજ છે.
3. વૃદ્ધ, ગંગા સ્વરૂપા માતા-બહેનો અને દિવ્યાંગ લાભાર્થીઓને બે તબક્કામાં રૂ1000 ની રકમ આગામી ત્રણ મહિનામાં એક્સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેતા 5.80 લાખ વૃદ્ધ લાભાર્થીઓ, 10,700 દિવ્યાંગ લાભાર્થીઓ અને 97,437 ગંગા સ્વરૂપ બહેનો લાભાર્થીઓને લાભ મળશે. આ અન્વયે કુલ 78.44 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે. જન-ધન બેન્ક ખાતું ધરાવનાર મહિલાઓને દર મહિને 500 ની રકમ આગામી ત્રણ મહિનામાટે એક્સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જન ધન ખાતું ધરાવતી ગુજરાતની 74 લાખ મહિલા લાભાર્થીઓને કુલ 1,110 કરોડનો લાભ મળવાનો છે.
4. ઉજ્જવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને આવતા ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાતના 28 લાખ મહિલા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને કુલ 630 કરોડના ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અપાવાના છે.
5. મહિલા સ્વ-સહાય જુથોને હાલમાં આપવામાં આવતી 10 લાખની કોલેટરલ ફ્રી લોનમાં વધારો કરી તે 20 લાખ કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના આશરે 2.27 લાખ મહિલા સ્વ-સહાય જુથો લાભ મેળવી શકશે.
6. જે સંસ્થાનું મહેકમ 100 કર્મચારીઓ કરતાં ઓછું છે અને તેમાંથી 90% ની આવક 15000 કરતાં ઓછી છે તેમના માટે એમ્પ્લોયર અને કર્મચારી બંનેનો ઇપીએફ ફાળો ચૂકવશે (12%+12%) એમ કુલ 24% ભારત સરકાર ચુકવશે.
ગુજરાત સરકારનું પેકેજ કોને મળી રહ્યું છે…
1. ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવામાં આવી રહેલ છે. જેમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ ધરાવતા 65.40 લાખ રેશનકાર્ડ ધારકો અને અગ્રતાક્રમ સિવાયના બી.પી.એલ. કાર્ડ ધરાવતા 3.40 લાખ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ પ કીલો અનાજ અને કાર્ડ દીઠ 1 કીલો દાળ, 1 કીલો મીઠું અને 1 કીલો ખાંડ આપવામાં આવી રહેલ છે. આ યોજના અન્વયે 150 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડી રહી છે.
2. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ સિવાયના એ.પી.એલ.-1 કાર્ડ ધરાવતા 61 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ મફત આપવામાં આવશે. આ હેતુસર 275 કરોડ ખર્ચાશે.
3. ઘરવિહોણા નિરાધાર તેમજ રાશન કાર્ડ ન ધરાવતા વ્યક્તિઓ માટે અન્નબ્રહ્મ યોજનાનો વ્યાપ વધારી વ્યક્તિદીઠ પ કીલો અનાજ અને કાર્ડ દીઠ 1 કીલો દાળ, 1 કીલો મીઠું અને 1 કીલો ખાંડ આપવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને 4.26 લાખ કાર્ડ ધારકોને આ લાભોનું વિતરણ શરૂ થયું છે.
4. રાજયમાં 68.80 લાખ જેટલા શ્રમિક કુટુંબોને કુટુંબદીઠ રૂ. 1000 ને સહાય ડીબીટી પધ્દતિથી બેન્ક ખાતામાં ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ માટે રાજ્ય સરકાર રૂ. 688 કરોડનું આર્થિક ભારણ ઉપાડવાની છે.
5. રાજ્યના ખેડૂતોએ લીધેલા ટૂંકાગાળાના પાક ધિરાણના ચૂકવણાની મુદત ભારત સરકાર અને આર.બી.આઇ. દ્વારા ત્રણ મહિના વધારી આપવામાં આવી છે. આ વધારેલી મુદત માટે ખેડૂતોને શુન્ય ટકા વ્યાજ ભોગવવું પડશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર એમ સંપૂર્ણ 7 ટકા વ્યાજ સરકાર ચુકવશે. ગુજરાત સરકાર આ માટે 250 કરોડનું વધારાનો બોજ ઉઠાવશે.
6. માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી બિલ ભરવાની મુદત 15 મે 2020 સુધી વધારવામાં આવી છે, આ માટે કોઈ દંડ વસુલ કરવામાં આવશે નહી. એટલું જ નહિ, વિજ વિતરણ કંપનીઓ દ્વારા વાણિજ્યિક અને ઉદ્યોગ કનેક્શનો ઉપરનો એપ્રિલ મહિનાનો ફિક્સ ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના પરિણામે વિજ વિતરણ કંપનીઓ દ્વારા આશરે 450 કરોડનું આર્થિક ભારણ ઉઠાવામાં આવશે.
7. રાજ્યમાં વૃદ્ધ સહાય પેન્શન મેળવતા 9 લાખ, 30 હજાર લાભાર્થીઓ, ગંગા સ્વરૂપા બહેનો-માતાઓને આપવામાં આવતું સહાય પેન્શન મેળવતા 4,43,437 લાભાર્થીઓ, દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મેળવતા 40,357 લાભાર્થીઓને 1 મહિનાની પેન્શનની કુલ રકમ 221 કરોડ એડવાન્સ ચૂકવવામાં આવેલ છે.
8. શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી મધ્યાન ભોજન યોજનાના લાભાર્થીઓને ભોજન સહાયનો લાભ રોકડ સ્વરૂપમાં આપવામાં આવેલ છે. જેમાં 51,72,288 વિદ્યાર્થી લાભાર્થીઓને રૂા. 62.10 કરોડની સહાય આપવામાં આવેલી છે.
9. આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવેલ હોવાથી 3 થી 6 વર્ષના બાળકોને ટેકહોમ રેશન સ્વરૂપે પોષક આહાર ઘરે પૂરો પાડવમાં આવેલ છે. જેનો લાભ 15.70 લાખ બાળકોને મળેલ છે. રાજ્ય સરકારે તે માટે 35 કરોડનું ભારણ ઉપાડેલ છે.
10. સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધાર ગૃહો બંધ કરવામાં આવેલ હોવાથી તેના 36 હજાર લાભાર્થીઓને ૧ મહિનાની નિભાવ ભથ્થાની 1500 ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. જે માટે રૂ. 5.40 કરોડની રકમ વાપરવામાં આવશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.