મસૂરીનું નામ આવે એટલે આપણને સૌંદર્ય યાદ આવી જાય છે. ખુશનુમા વાતાવરણ વચ્ચે મસૂરી કે જે ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લામાં આવેલું ખૂબસુરત શહેર છે. હિમાલયની તળેટીમાં આવેલા આ શહેરને ગિરિમથકોની રાણી તરીકે ઓળખવામાં આવે છે.
ગ્રીનરીથી ઘેરાયેલા આ પ્રદેશમાં ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. અહીંના સહેલાણીઓને પરીકથા જેવી ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા 2290 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીં આઇએએસ ઓફિસરોની તાલીમ શાળા છે. રસપ્રદ બાબત એવી સામે આવી છે કે આ જગ્યાએ ત્રણ મહિનાની ટ્રેનિંગનું પોતાનું પહેલું એસાઇમેન્ટ પુરૂં કરી 2016ના 156 આઇએએસ ઓફિસરોની બેચે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
આ બેચને એટલા માટે યાદ કરવી પડે તેમ છે કે જેમાં ઓફિસરોમાં 12 મહિલા અને પુરૂષ ઓફિસરો એવાં હતા કે મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તેમણે ટ્રેઇનિંગ દરમિયાન લગ્ન કરી લીધાં હતા. 2017ની બેચના છ અધિકારીઓએ પણ મસૂરીમાં ટ્રેઇનિંગ લીધી હતી. તેમણે તેમના જીવનસાથી આઇએએસ સાથે લગ્ન કરી લીધાં હતા.
2015ની બેચના 14 અધિકારીઓએ બેન્ચમેટ કે જુનિયર અથવા સિનિયરને જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. મસૂરીમાં ટ્રેઇનિંગ દરમ્યાન પ્રેમ થઇ ગયો હોય તેવા કેટલાક મહિલા અને પુરૂષ આઇએએસ ઓફિસરો ગુજરાતમાં પણ ફરજ બજાવે છે. મસૂરી સુંદર અને રોમાન્ટિક જગ્યા છે. યુપીએસસી પરીક્ષા પાસ કરવાની જહેમત બાદ યુવા અધિકારીઓ ટ્રેઇનિંગ માટે આ એકેડેમીમાં આવે છે અને તેમને અન્ય સાથી તાલીમાર્થીઓ સાથે પ્રેમ થઇ જાય છે.