ગાંધીનગર –ગુજરાતમાં કોલ્ડીંગ્સ અને આઇસ્ક્રીમના વેચાણમાં છૂટ આપવામાં આવે તેવી સંભાવના છે. રાજ્યના ફુડ અને ડ્રગ્સ કમિશનર કોશિયાએ રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખી જણાવ્યું છે કે ઠંડા પીણાં કે આઇસ્ક્રીમથી કોરોના ફેલાતો નથી તેથી છૂટ આપવામાં કોઇ વાંઘો નથી.
બીજી તરફ ઓનલાઇન પેમેન્ટ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે ઓનલાઇન પેમેન્ટના વિરોધ પછી સ્પષ્ટતા કરી હતી કે ચલણી નોટોથી સંક્રમણ થઇ શકે છે તેથી અમદાવાદમાં ઓનલાઇન પેમેન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું તે પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ચલણી નોટોથી સંક્રમણ થતું નથી પરંતુ તબીબી તજજ્ઞોના મત પછી કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું હતું કે ચલણી નોટોથી સંક્રમણ થાય છે.
હવે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે કહ્યું છે કે 15મી મે થી ફેરિયા, શાકભાજી, ફળો, દૂધ અને કરિયાણાની દુકાનોના માલિકો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને નાણાંકીય લેવડ દેવડ માટે રોકડ વ્યવહારનો ઉપયોગ કરી શકશે પરંતુ નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ચલણી નોટોના ઉપયોગથી થતું હોવાથી કેશલેસ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે.
તેમણે કહ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવી શાકભાજી, ફળો, દૂધ અને કરિયાણા વગેરેની 17000 જેટલી દુકાનો માટે 150 ટીમો બનાવવામાં આવી છે જે પ્રત્યેક દુકાનોમાં જઇને મોબાઇલ ફોનમાં ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને જરૂરી ટેકનિકલ સહાય પુરી પાડશે.મુકેશકુમારે કહ્યું હતું કે ચલણી નોટોથી અથવા સિક્કાથી સંક્રમણ ફેલાઇ શકે છે તેથી કોર્પોરેશનને આવો નિર્ણય લીધો છે.
યુપીઆઇથી ચૂકવણી લોકપ્રિય બનાવવા તંત્રએ આવો નિર્ણય કર્યો છે. જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે કેશલેસ પેમેન્ટ એ ફરજીયાત સિસ્ટમ નથી. માત્ર હોમ ડિલિવરી કરતી એજન્સીઓ માટે કેશલેસ ફરજીયાત છે. આમ પણ હોમ ડિલીવરી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન કરવામાં આવે છે.