ગુજરાતમાં વે-સાઇડ એમિનિટીઝ માટે રાજ્યના પ્રવાસન વિભાગે ટુરિઝમ પોલિસી હેઠળ લાભ આપવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં નેશનલ હાઇવેઝ, સ્ટેટ હાઇવેઝ અને ડિસ્ટ્રીક્ટ રોજનો સમાવેશ કર્યો છે. રાજ્યમાં જે કોઇ ઉદ્યોગજૂથ પાસે હાઇવે-ટચ જમીન હોય તેઓ આ પોલિસીનો લાભ મેળવી શકે છે.
નેશનલ હાઇવે પર રેસ્ટોરન્ટ ખોલવી હોય તો ઓછામાં ઓછી 10,000 ચોરસમીટર જમીન હોવી જોઇએ જે પૈકી 500 ચોરસમીટર જમીનમાં કાર અને 1000 ચોરસમીટર જમીનમાં બસ પાર્કિંગની સુવિધા આપવાની રહેશે. આ જમીન ટોલપ્લાઝાથી પાંચ કિલોમીટર દૂર હોવી જોઇએ.
એવી જ રીતે સ્ટેટ હાઇવેમાં ઓછામાં ઓછી 7500 ચોરસમીટર જમીન અને ડિસ્ટ્રીક્ટ રોડમાં 5000 ચોરસમીટર જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. આ બન્ને માર્ગો પર પણ પાર્કિંગની સુવિધા આપવાની રહેશે. વે-સાઇડ એમિનિટીઝમાં ફુડકોર્ટ કે રેસ્ટોરન્ટ અથવા તો રીટેઇલ આર્કેડ બનાવી શકાશે.
આ પ્રોજેક્ટમાં કાર અને બસ પાર્કિંગ, પાણી અને સેનિટેશનની સુવિધા, બેબીકેર રૂમ, ફર્સ્ટએઇડ બોક્સ અને ઇન્ટરનેટની સુવિધા આપવી ફરજીયાત છે. રોડ-સાઇડ એમિનિટીઝનો પ્રોજેક્ટ બનાવવા માગતા ઉદ્યોગજૂથને ટુરિઝમ વિભાગ નિયત શરતોને આધિન પોલિસીના તમામ લાભ આપશે તેવું ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે.