ભારતીય મહિલા હોકી ટીમે અહીં રમાયેલી ઓલિમ્પિક્સ ટેસ્ટ ઇવેન્ટના રાઉન્ડ રોબિ લીગ મેચમાં વિશ્વની બીજા ક્રમની ટીમ સામે શરૂઆતમાં બે ગોલથી પાછળ પડ્યા પછી જોરદાર વાપસી કરીને આ મેચ 2-2થી ડ્રો કરી હતી. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારતીય ટીમ માટે વંદના કટારિયાએ 36મી મિનીટમાં જ્યારે ગુરજીત કૌરે 59મી મિનીટમાં ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા વતી કેટલિન નોબ્સે 14મી અને ગ્રેસ સ્ટીવર્ટે 43મી મિનીટમાં ગોલ કર્યા હતા.
ભારતીય મહિલાઓએ શનિવારે પ્રથમ મેચમાં યજમાન જાપાનને 2-1થી હરાવ્યું હતું. વિશ્વની 10માં ક્રમની ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેના જેવી જ આક્રમકતા અપનાવી હતી. મેચની 14મી મિનીટમાં ભારતીય ડિફેન્ડર દ્વારા કરાયેલી ભુલને કારણે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો, જેના પર નોબ્સે ગોલ કરીને ટીમને સરસાઇ અપાવી હતી. જો કે ભારતીય ગોલકિપર સવિતાએ ઓસ્ટ્રેલિયાના ગોલ કરવાના અન્ય પ્રયાસ મારી હટાવ્યા હતા.