નવી દિલ્હીઃ ભારતીય રેલવે IRCTC તરફથી મહિલા પ્રવાસીઓ માટે એક મોટી ખુશખબરી આવી છે. જે હેઠળ રક્ષાબંધનના દિવસે તેમને IRCTC ખાસ કેશબેક ઓફર આપી રહ્યુ છે. 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટની વચ્ચે રેલવે બે પ્રીમિયમ ટ્રેનોમાં મહિલાઓ મુસાફરી કરશે તો તેમને કેશબેક મળશે. ચાલો જામીયે આ રક્ષાબંધનના પ્રસંગે દેશની તમામ બહેનોને આપવામાં આવનાર આ ઓફર અંગે…
IRCTC તરફથી આ ઓફર બે તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી પર આપવામાં આવશે. પહેલી ટ્રેન છે દિલ્હી અને લખનઉની વચ્ચે દોડનાર તેજસ એક્સપ્રેસ અને બીજી છે મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનાર તેજસ એક્સપ્રેસ. 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન આ ટ્રેનોમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે ટ્રેનના ભાડામાં 5 ટકા કેશબેકના રૂપમાં આપવામાં આવશે. આ કેશબેક એ જ ખાતામાં જશે, જેનાથી ટિકિટ બુક કરાવી છે.
આમ તો તમામ કેશબેક ઓફરમાં કેટલાંક નિયમિત ટ્રાન્ઝેક્શન જ ઓફરનો હિસ્સો હોય છે, પરંતુ આ વખતે IRCTC એ આના પર કોઇ મર્યાદા લગાવી નથી. એટલે કે 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન મહિલાઓ જેટલી વાત ઇચ્છે તેટલી વાર તેજસ એક્સપ્રેસથી ટ્રેનનો પ્રવાસ કરી શકે છે. જો તમે પહેલાથી જ આ સમયની ટિકિટ બુક કરાવી લીધી છે અને ત્યારે આ ઓફર ન હતી તો પણ તમને કેશબેક મળશે.
તમામ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા 7 ઓગસ્ટથી આ બે પ્રીમિયમ તેજસ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યુ છે. આ ટ્રેનો લગભગ 4 મહિના પહેલા કોરોના મહામારીના લીધે બંધ કરવામાં આવી હતી. હાલ આ ટ્રેનો સપ્તાહમાં 4 વખત દોડી રહી છે, જે પહેલા સપ્તાહમાં 6 દિવસ દોડતી હતી. આ પ્રીમિયમ ટ્રેનો શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને કોઇ પણ ડિસ્કાઉન્ટ મળતુ નથી. 5 વર્ષ કે તેથી વધારે વયના બાળકોનું આખું ભાડું લાગશે અને તેમને એક સીટ પણ મળશે.