ગ્વાંગઝૂમાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમીંગ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે મહિલાઓની ૪૦૦ મીટરની વ્યક્તિગત મેડલે સ્પર્ધામાં હંગેરીની કન્ટિકા હોસજૂઍ ૪:૩૦.૩૯ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો તેની સાથે જ તે છેલ્લા ૧૦ વર્ષમાં સતત પાંચમીવાર વર્લ્ડ ટાઇટલ જીતનારી વિશ્વની પહેલી મહિલા સ્વિમર બની ગઇ હતી. તે ૨૦૦૯થી સતત ચેમ્પિયન બનતી આવી છે.
ઇટલીના ફલોરિયન વેલબ્રોકે પુરૂષોની ૧૫૦૦ મીટરની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ૧૪:૪૨.૯૧ સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે આ મેડલ જીત્યો તેની સાથે જ રેકોર્ડ બુકમાં તેનું નામ લખાઇ ગયું હતું. ફલોરિયન ઍક જ ચેમ્પિયનશિપમાં ૧૦ કિમી અને ૧૫૦૦ મીટરની સ્પર્ધામાં ગોલ્ડ જીતનારો વિશ્વનો પહેલો સ્વિમર બન્યો હતો.
દક્ષિણ આફ્રિકાના ૨૧ વર્ષિય જેન વેડલે પુરૂષોની ૫૦ મીટર બેકસ્ટ્રોક સ્પર્ધામાં ૨૪.૪૩નો સમય લઇને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સને પછાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે છેલ્લા ૧૨ વર્ષમાં આ ટાઇટલ જીતનારો પહેલો દક્ષિણ આફ્રિકન સ્વિમર બન્યો હતો. તેના પહેલા ૨૦૦૭માં ગેરહાર્ડ ચેમ્પિયન બન્યો હતો. જેને રશિયાના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ક્લેમેન્ટ કોલેનિકોવ અને ઍવગેની રિલોવને હરાવીને વર્લ્ડ સ્વિમીંગ ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.