ગાંધીનગર- કચ્છના એલ્યુમિના પ્રોજેક્ટને ગ્રહણ લાગી ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ફરી એકવાર ડ્રોપ થયો છે. આ પ્રોજેક્ટ નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ- નાલ્કોએ ડ્રોપ કર્યો છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 15000 કરોડ થતી હતી. સરકારે હવે આ પ્રોજેક્ટ પર ઠંડુ પાણી રેડી દીધું છે. વારંવાર ડ્રોપ થતાં આ પ્રોજેક્ટ માટે સરકાર હવે કોઇ નવા પ્લેયર શોધશે નહીં પરંતુ પ્રોજેક્ટને સ્ક્રેપ કરી દેવાશે. આ પ્રોજેક્ટ ક્યારેય સાકાર નહીં થાય. ઉદ્યોગ વિભાગે આગળ કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
ગુજરાતના કચ્છમાં એલ્યુમિના પ્રોજેક્ટમાં વાર્ષિક 0.5 મિલિનય ટનનો એલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્લાન્ટ સ્થપાવાનો હતો. આ પ્રોજેક્ટમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએમડીસી 26 ટકાની જેવી પાર્ટનર હતી. ગુજરાત સરકારનો આ અતિ મહત્વનો પ્રોજેક્ટ હતો અને સરકારે જરૂરી જમીન પણ ફાળવી આપી હતી. નાલ્કો અને જીએમડીસીએ જોઇન્ટલી નક્કી કર્યું છે કે હવે આ પ્રોજેક્ટ કરવો નથી. જો કે જીએમડીસીએ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ પણ બનાવ્યો છે.
જીએમડીસીના સૂત્રો કહે છે કે કંપનીએ જરૂરી 300 હેક્ટર જમીન પૈકી 100 હેક્ટર જમીન એક્વાયર કરી હતી. નાલ્કોએ એલ્યુમિના રિફાઇનરી અને સ્મેલ્ટર પ્લાન્ટ માટે 151 કરોડનું પેમેન્ટ પણ કરી દીધું હતું. આજથી છ વર્ષ પહેલાં એટલે કે 2011માં જીએમડીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એલ્યુમિના પ્રોજેક્ટ માટે નાલ્કોને પાર્ટનર બનાવ્યું હતું. આ સમયે એવો ટારગેટ હતો કે આ પ્લાન્ટમાંથી પ્રતિવર્ષ પાંચ લાખ ટન સ્મેલ્ટર અને 10 લાખ ટન રિફાઇન્ડ એલ્યુમિના ઉત્પાદિત કરાશે.
2013માં નાલ્કોએ જીએમડીસી પાસે પ્રોજેક્ટ માટે 2.2 રૂપિયે પ્રતિ યુનિટનો પાવર માગ્યો હતો, ત્યારબાદ રાજ્ય સરકારે આશાપુરા માઇનકેમ કે જે બોક્સાઇટનું કામ કરે છે તેની સાથે એમઓયુ સાઇન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં હિન્ડેલ્કો, જેએસડબલ્યુ એલ્યુમિનિયમ અને અદાણી ગ્રુપ જેવી પાર્ટનર બનવા તૈયાર હતું પરંતુ જીએમડીસીએ નાલ્કોને કામ આપ્યું હતું જેના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.
જો કે એલ્યુમિના રિફાઇનરી અને સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપવા માટે અમેરિકાની એલ્યુ કેમ ઇન્કોર્પોરેશન, રશિયાની યુસી રૂસાલ, દુબાઇની દુબાઇ એલ્યુમિનિયમ લિમિટેડ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રસ દાખવ્યો હતો. જો કે હવે આ પ્રોજેક્ટ પર કોઇ નવી કંપની શોધવામાં નહીં આવે તેવું ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે. સરકાર આ પ્રોજેક્ટને હવે રદ કરવા માગે છે.