ભારતીય રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટેની પસંદગી કરવા માટેની જૂની પરંપરાથી હટીને આ વર્ષે એક 12 સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવશે. આ પેનલમાં છ વારની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમ અને માજી ફૂટબોલ ટીમ કેપ્ટન બાઇચૂંગ ભૂટિયાનો સમાવેશ કરાયો છે. રમત પુરસ્કારો 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જયંતી કે જેને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે આપવામાં આવે છે.
રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે તમામ એવોર્ડ્સ માટે એક જ પસંદગી સમિતિના વિચારને અજમાવી રહ્યા છીએ. અમને લાગે છે કે વધુ પડતી સમિતિઓ બીનજરૂરી છે, કારણકે તેનાથી બાબતો મુશ્કેલ થઇ પડે છે અને વિવાદ ઊભા થાય છે.
આ 12 સભ્યોની સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત જસ્ટિસ મુકુંદકમ શર્મા સંભાળશે, જેમાં રમત સચિવ રાધે શ્યામ ઝુલાનિયા, ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓથોરિટીના મહાનિર્દેશક સંદીપ પ્રધાન, ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ પ્રણાલી (ટોપ્સ)ના મુખ્ય કાર્યકારી અધિકારી કમાન્ડર રાજેશ રાજાગોપાલન, મેરી કોમ, ભૂટિયા, મહિલા ક્રિકેટ ટીમની માજી કેપ્ટન અંજૂમ ચોપરા, માજી લોંગ જમ્પર અંજૂ બોબી જ્યોર્જ અને ટેબલ ટેનિસ કોચ કમલેશ મહેતા સામેલ છે.
આ ઉપરાંત આ કમિટીમાં મીડિયામાંથી પણ બે પ્રતિનિધિને સામેલ કરવામાં આવશે, જે ટાઇમ્સ ગ્રુપ (ડિજિટલ)ના ચીફ એડિટર રાજેશ કાલરા અને પ્રસિદ્ધ કમેન્ટેટર ચારુ શર્મા છે. આગલા તબક્કાઓથી વિપરીત આ સમિતિ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કારો રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ્સ, દ્રોણાચાર્ય એવોર્ડ (કોચ માટે), ધ્યાનચંદ એવોર્ડ (લાઇફટાઇમ અચીવમેન્ટ), અને નેશનલ રમત પ્રોત્સાહન પુરસ્કારના વિજેતાઓની પસંદગી કરશે.