ભારતની સ્ટાર બોક્સર ઍમસી મેરી કોમે ફરી ઍકવાર ઍ સાબિત કર્યુ છે કે ઉંમર તેના માટે ઍક આંકડો માત્ર છે અને 36 વર્ષની વયે પણ તેના પંચમાં દમ હોવાનું પુરવાર કરીને વર્લ્ડ ચેમ્પિયન મેરીઍ રવિવારે ઇન્ડોનેશિયાના લાબુઆન બાજા ખાતે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને 23મી પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં 51 કિગ્રાની કેટેગરીની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરીને ગોલ્ડન પંચ માર્યો હતો. મેરી કોમ પછી સિમરનજીત કૌરે પણ 60 કિગ્રાની પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ મેરી કોમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની બોક્સર ઍપ્રિલ ફ્રેન્ક્સને 5-0થી હરાવી હતી. મોડેથી રમાયેલી 60 કિગ્રાની ફાઇનલમાં સિમરનજીત કૌરે ઍશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ ઇન્ડોનેશિયાની ઇસાનાહ હુસનાવતને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
સ્ટાર ભારતીય બોક્સરે મે મહિનામાં ઇન્ડિયા ઓપનમાં પણ ગોલ્ડ જીત્યો હતો. જો કે ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન માટે પોતાની તકને વધારવાની યોજના હેઠળ તેણે થાઇલેન્ડ ખાતે યોજાયેલી ઍશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો નહોતો. મેરી કોમે પોતાના પંચના પાવરને પારખવા માટે જ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેથી વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા તે કેટલીક બાઉટ રમી શકે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 7થી 21 સપ્ટેમ્બર દરમિયાન રમાવાની છે.
મેરી કોમે ગત વર્ષે દિલ્હીમાં છઠ્ઠુ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું હતું. રવિવારે ગોલ્ડ મેડલ જીત્યા પછી મેરી કોમે ઍક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે પોડિયમ પર ઊભેલી જણાય છે. તેણે સાથે જ લખેલી પોસ્ટમાં કોચિંગ સ્ટાફનો આભાર માનતા લખ્યું છે કે ઇન્ડોનેશિયામાં પ્રેસિડન્ટ કપમાં ગોલ્ડ મેડલ મારા અને મારા દેશ માટે. વિજયનો મતલબ ઍ છે કે તમે અન્યોની સરખામણીઍ વધુ મહેનત કરી છે. હું મારા કોચ અને કોચિંગ સ્ટાફનો આભાર માનું છું.
4 મહિલા અને 3 પુરૂષ બોક્સરોના 7 ગોલ્ડ સહિત પ્રેસિડન્ટ કપ ભારતે કુલ 9 મેડલ જીત્યા
રવિવારે ઇન્ડોનેશિયાના લાબુઆન બાજા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 23મી પ્રેસિડન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરી કોમ પછી સિમરનજીત કૌરે પણ 60 કિગ્રાની પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સિમરન જીત અને મેરી કોમ ઉપરાંત જમુના બોરો, મોનિકાઍ પણ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે પુરૂષ બોક્સરોમાં અંકુશ દહિયા, નીરજ સ્વામી, અનંત ચોપડેઍ ગોલ્ડ અને ગોરવ બિધુડી તેમજ દિનેશ ડાગર ફાઇનલમાં હારતાં સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. સિમરનજીત કૌરે ઇસાનાહ હુસનાવતને 5-0થી, જમુના બોરોઍ ઇટલીની ગ્યુલિયા લમાગ્નાને 5-0થી, જ્યારે મોનિકાઍ ઇન્ડોનેશિયાની ઍનડાંગને હરાવી હતી. અંકુશ દહિયાઍ મકાઉના લ્યુંગ ફિન ફોંગને 5-0થી, નીરજે ફિલિપાઇન્સના મકાડો જૂનિયર રામેલને 4-1થી અને અનંતે અફઘાનિસ્તાનના રહમાની રમીશને 5-0થી હરાવ્યા હતા.