ગાંધીનગર- ભારતના વડાપ્રધાન આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી… મોદીએ પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરને ટેલિફોન કરીને કોરોનાની બીમારી સામેની લડાઈમાં પોતાનો નાંણાકીય સહયોગ આપવા રૂપિયા 51000 નો ચેક મુખ્ય મંત્રી રાહત ફંડમાં આપવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.
એટલું જ નહી પરંતુ તેમના આ અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે “આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું…આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે એમ તેમણે ઉમેર્યું હતું…” મોદીએ રત્નાભાઈની તબીયતની પૃચ્છા કરી તેમના દીર્ઘાયુંની કામના કરતા જણાવ્યું હતું કે, “ બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો…આપને વંદન કરુ છુ… ખુબ ખુબ આભાર અને આપની તબિયતનું ધ્યાન રાખજો… હજી ઘણા વર્ષ જીવવાનું છે…’
મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ જ પ્રકારે રાજ્યમાં કે દેશમાં ક્યાંય પણ કોઈએ શ્રેષ્ઠ-અનુકરણીય કામ કર્યું હોય ત્યારે તેને પ્રોત્સાહન આપવાનું ક્યારેય ચૂકતા નહતા, તે પરંપરા આજે પણ તેમણે ચાલુ રાખી છે. વડાપ્રધાનના આવડા મોટા અને સર્વોચ્ચ હોદ્દા પર પહોંચ્યા પછી પણ સમગ્ર દેશમાં નાની-નાની પ્રેરણારૂપ ઘટના ઉપર તેમનું સતત ધ્યાન હોય છે.
વડાપ્રધાનપદની જવાબદારીની આટલી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને પણ નરેંદ્રભાઈ, આ દેશના નિર્માણમાં યોગદાન આપનારા તથા પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપીને રાષ્ટ્રસેવામાં જોડાયેલા સૌ મૂક સેવકોની સમયાંતરે પોતે જાતે જ ટેલિફોન કરીને તેમની તબિયતની પ્રુચ્છા કરતા હોય છે અને આશીર્વાદ મેળવતા હોય છે. એટલું જ નહીં પરંતુ તેઓને પ્રોત્સાહન આપવાનું ક્યારેય ચૂકતા નથી… કદાચ આ જ બાબત અન્ય લોકોને કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની કલેક્ટર કચેરીમાં પ્રવેશતા જ દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ જુસ્સાભેર જવાબ આપતા કહ્યું કે…’ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું…’
રત્નાભાઈ મનજીભાઈ ઠુમર 99 વર્ષના છે તેઓ 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે. ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે કરેલી અપીલના પગલે રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો…


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.