સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલે રોજર્સ કપમાં ગાઇડો પેલ્લા સામે વિજય મેળવીને એટીપી માસ્ટર્સ 1000માં સર્વાધિક જીત મેળવવાના રોજર ફેડરરના રેકોર્ડને તોડ્યો હતો. ગુરૂવારે રમાયેલી મેચમાં નડાલે ગાઇડોને 6-3, 6-4થી હરાવીને એટીપી માસ્ટર્સ 1000માં પોતાની 379મી જીત મેળવીને ફેડરરના 378 જીતના રેકોર્ડને તોડ્યો હતો.
નડાલ આ જીતની સાથે જ 9મીવાર રોજર્સ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો છે. હવે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે નડાલનો સામનો શુક્રવારે ઇટલીના ફેબિયો ફોગનિની સાથે થશે. ફોગનિનીએ 7માં ક્રમાંકિત ફ્રાન્સના એડ્રિયન મન્નારિયોને 6-2, 7-5થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગાઇડો સામેની છેલ્લી ત્રણેય મેચ સીધા સેટમાં જીતનારા નડાલે આ મેચ દરમિયાન સંપૂર્ણ અંકુશમાં રહ્યો હતો. તેણે ગાઇડો સામે 1 કલાક અને 47 મિનીટમાં વિજય મેળવવામાં કોઇ સમસ્યા અનુભવી નહોતી.