ગાંધીનગર—ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરપાલિકાઓનું મર્જર શરૂ કર્યું છે જેમાં સુરેન્દ્રનગર-નવસારી-પોરબંદર નગરપાલિકાઓમાં વઢવાણ – વિજલપોર-છાયા નગરપાલિકાઓનો સમાવેશ કરી સંયુકત નગરપાલિકાઓ રચવાની જાહેરાત કરી છે.
રૂપાણીએ નગરોના વિકાસને વધુ વેગ આપવા રાજ્યની ત્રણ નગરપાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલીકા સમાવિષ્ટ કરીને સંયુકત નગરપાલિકાની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મર્જર કરવાના પરિણામે સ્થાનિક સત્તાતંત્રનો વહીવટી ખર્ચ ઘટશે. એટલું જ નહિ, માનવબળ વધતાં કામગીરીમાં સરળતા આવશે અને વિકાસકામોને નવી ગતિ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના આ નિણર્ય અનુસાર, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ નગરપાલિકાનો સમાવેશ કરીને સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે.એવી જ રીતે દક્ષિણ ગુજરાતના નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકાનો સમાવેશ કરીને નવસારી-વિજલપોર સંયુકત નગરપાલિકા રચવામાં આવી છે અને તેના મુખ્યમથક તરીકે નવસારી રાખવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકા સમાવિષ્ટ કરીને પોરબંદર-છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રૂપાણીએ ત્રણ પાલિકાના સંયુક્ત વહીવટદારની નિયુક્તિ પણ કરી છે જે પૈકી સુરેન્દ્રનગર-વઢવાણમાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વઢવાણ, નવસારી, વિજલપોર નગરપાલિકામાં પ્રાંત અધિકારી નવસારી અને પોરબંદર છાયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી પોરબંદરની નિમણૂંક કરવામાં આવી છે.