ગાંધીનગર — એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ઉંચા મૃત્યુદરના કારણે દેશભરમાં બદનામ થઇ રહી છે ત્યારે સિવિલના વડા ડો. પ્રભાકર સિવિલના બચાવમાં ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે સિવિલમાં સૌથી વધુ ગંભીર કેસો આવતા હોવાથી મૃત્યુદર ઉંચો છે.
તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણના છેલ્લી સ્ટેજના દર્દીઓ સિવિલમાં આવતા હોવાથી કોરોના દર્દીનો રિકવરી રેટ સૌથી ઓછો જોવા મળે છે. દેશ અને રાજ્યનો રિકવરી રેટ 40 ટકા કરતાં વધુ છે ત્યારે સિવિલનો રિકવરી રેટ 32 ટકા છે.
અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 9449 છે જે પૈકી 3330 દર્દીઓ રિકવર થયાં છે જ્યારે 619 દર્દીના મોત થયાં છે. અમદાવાદમાં બે દિવસ પહેલાંના સિવિલ હોસ્પિટલના કુલ આંકડામાં 338 દર્દીઓ રિકવર થયાં હતા જ્યારે 343 દર્દીઓના મોત થયાં છે, જ્યારે એસવીપી હોસ્પિટલમાં 884 દર્દીઓ સાજા થયાં હતા અને 117 દર્દીઓના મોત થયાં છે. 18મી મે સુધીના આંકડા જોઇએ તો સોલા સિવિલમાં 187 દર્દીઓ સાજા થયાં છે જ્યારે 26 દર્દીના મોત થયાં છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીનો મૃત્યુઆંક ઉંચો હોવાથી સરકાર બદનામ થઇ રહી છે. આ બદનામી દૂર કરવા નિવૃત્ત થયેલા સિવિલના ચીફ ડો. પ્રભાકરને સરકારને પુનનિયુક્તિ આપી છે. તેઓએ સિવિલનો ચાર્જ સંભાળ્યા પછી કેટલાક આરોગ્યલક્ષી પગલાં લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે સિવિલમાં હવે મૃત્યુઆંક ઘટતો જાય છે. તેમણે એમ પણ કહ્યું કે સિવિલમાં દાખલ થયેલા કોરોના દર્દીઓ પૈકી 70 ટકા દર્દીઓને જૂની ગંભીર બિમારી પણ જોવા મળી છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.