હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનેલી પીવી સિંધુ અહીં મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં પરાજીત થઇને આઉટ થઇ હતી. જ્યારે બી સાઇ પ્રણીતે ભારતની આશા જીવંત રાખીને પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
સિંધુએ પોર્નપાવી સામે પહેલી ગેમ 21-12થી જીતી લીધી હતી, જો કે તે પછી થાઇલેન્ડની ખેલાડીએ સિંધુને કોઇ મચક આપી નહોતી અને અંતે તે આ મેચ 12-21, 21-13, 21-19થી જીતી ગઇ હતી. આ તરફ સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી ચિરાગ શેટ્ટી સાથે મેન્સ ડબલ્સમાં અને અશ્વિની પોનપ્પા સાથે મિક્ષ્ડ ડબલ્સ બંનેમાં હારી ગયો હતો.
પ્રણીતે ચીનના લુ ગુઆંગ ઝુ સામે 21-19, 21-10થી જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યા તેનો સામનો ઇન્ડોનેશિયાના એન્થોની સીનીસુકોવા જીનીટીંગ સાથે થશે, જેણે ભારતના જ પારુપલ્લી કશ્યપને એક રોમાંચક મેચમાં 23-21, 15-21, 21-12થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ તરફ મેન્સ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડીને ચોથી ક્રમાંકિત જાપાનીઝ જોડી તાકેશી કામુરા અને કેઇગો સોનોદાની જોડીએ 21-19, 21-8થી હરાવી હતી. તે પછી મિક્ષ્ડ ડબલ્સમાં સાત્વિક-અશ્વિનીની જોડીને જાપાનની જ યુકી કેનેકો અને મિસાકી માત્સુતોમોની જોડીએ 21-11, 16-21, 21-12થી હરાવી હતી.