ગાંધીનગર – ગુજરાતમાં ક્વોરેન્ટીન થયેલા લોકો લોકડાઉનનો ભંગ કરી બિન્દાસ ફરી રહ્યાં છે તેથી સરકારની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. જો કે એટલી હદે લાપરવાહી વર્તાઇ રહી છે કે જે લોકો શંકાસ્પદ છે તેઓ ઘરની બહાર નિકળી રહ્યાં છે.
ગુજરાતમાં જાહેરનામાનો ભંગ કર્યો હોય તેવી વ્યક્તિઓની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 2271 નોંધાઇ છે. ક્વોરેન્ટીન કરેલા 853 વ્યક્તિઓએ ભંગ કર્યો છે. રાજ્યમાં લોકડાઉન ભંગના 425 ગુનાઓ નોંધાયા છે જેમાં રાયોટીંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના પણ છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે પોલીસે 4331 લોકોની અટકાયત કરી છે. પોલીસે 3177 વાહનો પકડ્યા છે. એટલું જ નહીં ડ્રોનની મદદથી પોલીસે 317 ગુનાઓ શોધી કાઢ્યા છે. રાજ્યમાં અફવાઓ ફેલાવતા 19 લોકો સામે કાર્યવાહી કરી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ છે તેમ છતાં ત્રણેય શહેરમાં કુલ 475થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં લોકડાઉનનો ભંગ કરીને બહાર નિકળેલા વાહનચાલકોના વાહનો જપ્ત કરી લેવામાં આવે છે. પોલીસે અત્યાર સુધીમાં પકડેલા વાહનો પૈકી 97761 વાહનો મુક્ત કર્યા છે. આ વાહનચાલકોએ દંડ ભરીને વાહનો છોડાવી લીધા છે. સોસાયટીઓના સીસીટીવી ફુટેજ દ્વારા આજ સુધીમાં કુલ 189 ગુના દાખલ કરી 335 લોકોની અટકાયત કરવામાં આવી છે.