ગાંધીનગર- ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી રદ્દ અથવા તો મોકુફ રાખવાની વિનંતી કરવા ભાજપે પહેલ કરી છે કે કોંગ્રેસે તે તો સમય બતાવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અમે ભારતના ચૂંટણી પંચને આ ચૂંટણી રદ્દ કરવા વિનંતી કરીશું પરંતુ આવી વિનંતી કોંગ્રેસ પણ કરી રહ્યું છે. ભાજપે હજી સુધી નક્કી કર્યું નથી પરંતુ કોંગ્રેસે નક્કી કર્યું છે.
ભારતનું ચૂંટણી પંચ દિલ્હીના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેની ગુજરાત ઓફિસ સચિવાલયમાં આવેલી છે. ભારતના ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારીને કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાની અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 24મી ને મંગળવારે નિર્વાચન અધિકારી પાસે રાજ્યસભાની ચૂંટણી મોકુફ રાખવાની રજૂઆત કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મિડીયાએ ગઇકાલે પૂછ્યું હતું કે વિધાનસભાનું સત્ર ટૂંકાવવા તેમજ રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવા ગુજરાત સરકાર શું પગલાં લેવાની છે, જેના જવાબમાં નીતિન પટેલે કહ્યું હતું કે સત્ર ટૂંકાવવા બાબતે અમે સાથે બેસીને ચર્ચા કરીશું જ્યારે રાજ્યસભા માટે ભારતના ચૂંટણી પંચને વિનંતી કરાશે.
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસો અને કોરોના ત્રીજા તબક્કામાં પહોંચી ચૂક્યો હોવાથી રાજ્યમાં ચેપ ફેલાય નહીં તે માટે જાહેર કાર્યક્રમો અને મેળાવડા બંધ કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં ગુજરાત સરકારે વિધાનસભાનું સત્ર તેમજ રાજ્યસભાની ચૂંટણી અંગે હજી કોઇ નિર્ણય લીધો નથી. જો કે કોંગ્રેસ આવતીકાલ મંગળવારે રાજ્યના નિર્વાચન અધિકારીને મળીને આવેદનપત્ર આપશે અને રાજ્યસભાની ચૂંટણી મોકુફ રાખવાની રજૂઆત કરશે.
દરમ્યાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ બન્ને બાબતો અંગે સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી પરંતુ બઘાં સાથે ચર્ચાને આખરી નિર્ણય કરવામાં આવશે.