મુંબઇઃ ભારતની બેન્કિંગ સિસ્ટમ ખાડે ગઇ છે અને થાપણદારોની જીવનભરની મહામૂલી પૂંજી પણ સંકટમાં હોય તેવી એક પછી એક નવી ઘટના ઘટી રહી છે. રિઝર્વ બેન્કે આજે ફરી એક બેંકનું લાઇસન્સ રદ કર્યુ છે. આ વખતે મહારાષ્ટ્રના કરાડ સ્થિત કરાડ જનતા સહકારી બેન્કનું લાઇસન્સ રદ કરવામાં આવ્યુ છે. લાઇસન્સ રદ થયા બાદ હવે બેન્ક બંધ થઇ જશે. જોકે આ બેંકના થાપણદારો માટે રાહતની વાત એ છે કે, તેમણે બેન્કમાં મુકેલી 99ટકા રકમ પરત મળી જશે.
આ અગાઉ નવેમ્બર 2017થી જ કરાડ જનતા સહકારી બેંક પર રિઝર્વ બેંકે અમુક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. રિઝર્વ બેંકે આ બેંકનું લિક્વિડેટર નિમણૂંક કરવાનો આદેશ પણ આપ્યો હતો. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર સેક્શન 22ના નિયમો અનુસાર બેંકની પાસે હવે રૂપિયા નથી અને આવકનું કોઈ સાધન પણ નથી. કરાડ બેંક બેંકીંગ રેગ્યુલેશન 1949ના સેક્શન 56ના માપદંડોમાં યોગ્ય રીતે ઉતર્યુ નથી. જેને લઈને તેનુ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યુ છે.
રિઝર્વ બેન્કે જણાવ્યુ કે, હવે બેંકને ચાલુ રાખવી જમાકર્તાઓના હિતમાં નથી. હાલની સ્થિતીમાં બેંક પોતાના ડિપોઝીટર્સને બધા રૂપિયા આપી શકશે નહીં. ડિપોઝિટર્સને લિક્વિડેશન પર 5 લાખ સુધીની રકમ મળશે. સારા સમાચાર એ છે કે, 99 ટકા લોકોને તેમની રકમ પાછી મળી જશે.