મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) સહકારી બેન્ક વિરુદ્ધ કડક વલણ અપનાવી રહી છે અને વધુ ત્રણ કોઓપરેટિવ બેન્કોને સંયુક્ત રીતે કરોડ રૂપિયાથી વધુનો દડ ફટકાર્યો છે જેમાં ગુજરાતની એક સહકારી બેન્ક શામેલ છે.
રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યુ કે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ- 1949ની કેટલીક જોગવાઇઓ અને રિઝર્વ થાપણોના હસ્તાંતરણ સાથે સંબંધિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ આ દંડ ફટકાર્યો છે. જેમાં રિઝર્વ બેન્કે ગુરુવારે સહકારી ક્ષેત્રની કોઓપરેટિવ રાબોબેન્કને 1 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. કોઓપરેટિવ રાબો બેન્ક યુએ એ નેધરલેન્ડ સ્થિત રાબોબેન્ક ગ્રૂપની વિદેશી બેન્ક છે અને તેની મુંબઇમાં બ્રાન્ચ આવેલી છે.
રિઝર્વ બેન્કે એક અલગ નિવેદનમાં જણાવ્યુ કે, કલકત્તાની વિલેજ ફાઇનાન્સિયલ સર્વિસિસને તેના નો-યોર કસ્ટરના નિયમોની કેટલીક જોગવાઇઓનું પાલન ન કરવા બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો છે. ઉપરાંત મહારાષ્ટ્રના અહમદનગર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેન્કને 13 લાખ રૂપિયા તેમજ અમદાવાદની મહિલા વિકાસ કો-ઓપરેટિવ બેન્કને પણ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રિઝર્વ બેન્કે કોઓપરેટિવ રાબોબેન્ક યુએને દંડ ફટકારવાના મામલે કહ્યુ કે, તેમણે 31, માર્ચ 2020 સુધી બેન્કની નાણાંકીય સ્થિતિને લઇને ઇન્સ્પેક્શન ફોર સુપરવાઇઝરી ઇવેલ્યૂશન (આઇએસઇ)ની તપાસ કરી હતી. જેમાં કંપની દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઇઓ અને આરબીઆઇ દ્વારા નિર્દેશોનું ઉલ્લંઘન થયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. રિઝર્વ બેન્કે આ મામલે બેન્કને શો-કોઝ નોટિસ પણ ફટકારી છે.