ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેમેન્ટ બેંકોમાં એક ગ્રાહક દ્વારા મહત્તમ રકમ રાખવાની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, નાના વેપારીઓ સહિત ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માટે તેની ક્ષમતા વધારવાના ઇરાદાથી આ બદલાવ તાત્કાલિક પ્રભાવે કરવામાં આવ્યો છે.
RBI ના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં મોનિટ્રી પોલીસી કમિટીની બેઠક બાદ તેની ઘોષણા કરી હતી. RBIના એક સર્ક્યુલરમાં કહ્યું, પેમેન્ટ બેંકોની નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં પ્રગતિ અને આ બેંકોના કામકાજમાં વધુ લવચીકતા ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરતાં દિવસના અંતમાં પ્રતિ વ્યક્તિગત ગ્રાહક મહત્તમ રકમ રાખવાની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખાતામાં રકમ રાખવાની મર્યાદા બમણી કરવાનો નિર્ણય પેમેન્ટ બેંકોના કામકાજની સમીક્ષા પર આધારિત છે. આર્થિક સમાવેશ માટે તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાના ઇરાદાથી કરવામાં આવ્યો છે. સાથે જ તેમને MSME, નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવામાં સક્ષમ બનાવવા છે. દેશમાં વર્તમાનમાં આશરે 6 પેમેન્ટ બેંક છે.