મુંબઇઃ જો તમારું સહકારી બેન્કમાં ખાતુ છે તો તમારે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા નબળી સહકારી બેન્કોનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યુ છે. RBI દ્વારા ફરીવાર એક સહકારી બેન્કનું લાઇસન્સ રદ કર્યુ છે. આ વખતે RBI મહારાષ્ટ્રની ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યુ છે. RBIના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સહકારી બેન્કની નબળી નાણાંકીય સ્થિતિને કારણ કરવામાં આવી છે. લાઇસન્સ રદ કરવાની સાથે જ સહકારી બેન્કોના ખાતાધારકો માટે થાપણ ઉપાડવા અને જમા કરવા પર મનાઇ ફરમાવી દીધી છે.
સહકારી બેન્કનું લાઇસન્સ રદ થતા જ થાપણદારો તેમના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકશે નહીં. ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ પોતાની વર્તમાન નાણાંકીય સ્થિતિને જોતા નાણાંની પરત ચૂકવણી કરવા સક્ષમ નથી. RBI ઉપરાંત સહકારી કમિશ્નર અને સહકારી સમિતિઓના રજિસ્ટારે પણ મહારાષ્ટ્રની આ બેન્કને બંધ કરવા અને બેન્કની માટે અધિકારી નિમણુંક કરવાનો આદેશ આપ્યો છે.
RBIએ કહ્યુ કે, આ સહકારી બેન્ક પાસે કમાણી કરવાનું કોઇ સાધન નથી. તે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની જોગવાઇને અનુરુપ નથી. ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના બેન્કની કામગીરી ચાલુ રાખવી ગ્રાહકોના હિતમાં નથી. બેન્કને જો કારોબાર વધારવાની મંજૂરી આપવામાં આવે તો તેનાથી ગ્રાહકો અને લોકોને અસર થશે.
ઉલ્લેખનિય છે કે, RBIએ એક મહિના પહેલા જ મહારાષ્ટ્રની પૂના સ્થિત શિવાજીરાવ ભોસલે સહકારી બેન્ક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યુ હતુ.