ગાંધીનગર — કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારના નિયમો અને પોલીસના પેટ્રોલિંગ કરતાં ગામડાના લોકોને તેમના સરપંચ પર વધુ વિશ્વાસ છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં કોરોના પોઝિટીવના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થતો હોવાથી શહેરની આસપાસ આવેલા ગામડાઓએ પ્રવેશદ્વાર પર જાતે તાળાં મારી દીધાં છે.
કેટલાક ગામોના લોકોએ શહેરોમાંથી કોઇપણ ચીજવસ્તુ ખરીદવાનું બંધ કર્યું છે. ગામડામાં જે ચીજવસ્તુ મળે તેનાથી ચલાવી લેતાં શિખી રહ્યાં છે. શહેરના લોકોનો ચેપ પોતાના ગામડામાં ફેલાય નહીં તે હેતુથી ગામના સરપંચ કેટલાક આદેશ કરી રહ્યાં છે. ગામડામાં બહારના લોકોને નો-એન્ટ્રીના બોર્ડ તો લાગ્યા છે પરંતુ તેની સાથે સાથે કોઇને પણ ગામમાં અગત્યના કામ માટે જવું હોય તો પહેલાં સરપંચનો સંપર્ક કરવો પડે છે. સરપંચ મંજૂરી આપે તે પછી બહારનો વ્યક્તિ ગામડામાં ઘૂસી શકે છે.
અમદાવાદ જિલ્લાના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ચોકી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લો બે ભાગમાં વહેંચાઇ ગયો છે. શહેરીજનો ગામડામાં જઇ શકતા નથી અને ગામડાનો કોઇ વ્યક્તિ શહેરમાં આવી શકતો નથી. હકીકતમાં સરકારના લોકડાઉનનો સજ્જડ અમલ કેટલાક ગામડાં કરી રહ્યાં છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશે કહ્યું હતું કે ગામડાઓમાં સ્વયંભૂ પ્રતિબંધના આદેશ બહાર પાડવામાં આવ્યા છે.
ગામડાના પ્રત્યેક ચેકપોઇન્ટ પર પોલીસની સાથે ગામના લોકોની 24 ટીમો હોય છે. સ્ક્રીનીંગ સાથે લોકોને પરવાનગી આપવામા આવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક 464 જેટલા ગામડાં માઇક્રો કન્ટેન્ટ ઝોન બની ગયા છે. દરેક ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખુદ ગ્રામજનો પોલીસને મદદ કરી રહ્યાં છે.
ગામમાં પ્રવેશ કરવો હોય તો સરપંચ, તલાટી, શિક્ષણ, આરોગ્ય કાર્યકરો અને સમાજ કલ્યાણ આગેવાનની સમિતિ નિર્ણય કરે છે. બઘાંની સર્વસંમત્તિ હોય તો સ્ક્રીનીંગ કરીને પ્રવેશ આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં આ સમિતિઓ દ્વારા જિલ્લાના ગામડાઓમાં 3067 લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે 18000 લોકોને ગામડામાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.
જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જિલ્લાના આ ગામોમાં 3.79 લાખ લોકોનું સર્વેક્ષણ કર્યું હતું જેમાં 1925 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આટલા લોકોમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીઓએ 390 લોકો એવાં શોધી કાઢ્યા હતા કે જેમને કોરોના પોઝિટીવ કેસ હોય તેવી શંકાના આધારે તેમના રિપોર્ટ કરાવ્યા હતા. કેટલાક ગામોમાં સરપંચની સૂચના સાથેના બોર્ડ મૂકવામાં આવ્યા છે.