6 વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સે અહીંના આર્થર એશ સ્ટેડિયમમાં જોરદાર પ્રદર્શન કરીને યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં પોતાની કેરિયરનો 100મો વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેરેનાએ મંગળવારની રાત્રિએ ચીનની યુવા ખેલાડી વાંગ કિયાંગને સીધા સેટમાં 6-1, 6-0થી હરાવી હતી. 23 વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેનાને આ મેચ જીતવા માટે માત્ર 44 મિનીટનો સમય લાગ્યો હતો.
વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડસ્લેમમાં સેરેનાની આ 100મી જીત રહી હતી. સેરેનાએ કહ્યું હતું કેમારા મનમાં કદી એવું આવ્યું નહોતું કે હું અહીં 100 મેચ જીતી શકીશ, આ અદ્દભૂત છે. હું જ્યારે પહેલીવાર યુએસ ઓપન રમી ત્યારે મારી વય 16 વર્ષની હતી.
પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલીના યોહાના કોન્ટાને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશી
આ સિવાય રમાયેલી અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી ક્રમાંકિત યુક્રેનની એલિના સ્વિતોલીનાએ બ્રિટનની યોહાના કોન્ટાને 6-4, 6-4થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે યુએસ ઓપનની સેમીમાં પ્રવેશનારી યુક્રેનની પહેલી ખેલાડી બની છે. સ્વિતોલીનાએ વીનસ વિલિયમ્સ અને 2017ની રનર્સ અપ મેડિસન કીઝને પણ પછાડી છે.