ઍશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલિસ્ટ દીપક સિંહ સહિત 7 ભારતીય બોક્સરોઍ સોમવારે થાઇલેન્ડ ઇન્ટરનેશનલ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. દીપક સિંહની સાથે ઇન્ડિયા ઓપનની માજી ગોલ્ડ મેડલિસ્ટ મનીષા મોન અને આશિષ કુમારે અંતિમ 8માં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત નિખત ઝરીને 51 કિગ્રાની કેટેગરીમાં, મંજૂ રાનીએ 48 કિગ્રાની કેટેગરીમાં, બ્રજેશ યાદવે 82 કિગ્રાની કેટેગરીમાં પોતપોતાની બાઉટ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત 75 કિગ્રાની કેટેગરીમાં ભાગ્યવતી કચારીને બાય મળવાને કારણે તે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી.
દીપકે 49 કિગ્રાની કેટેગરીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપીને મોરોક્કોના સેદ મોર્તાજીને 5-0થી હરાવ્યો હતો, મનીષાઍ 57 કિગ્રાની કેટેગરીમાં ઍકતરફી મુકાબલામાં થાઇલેન્ડની સંજીવની શ્રીમાળીને 5-0થી હરાવી હતી. જ્યારે 75 કિગ્રાની કેટેગરીમાં આશિષે સ્થાનિક દાવેદાર અફીસિત કનનખોખુરિયાને 4-1થી હરાવવામાં મહેનત કરવી પડી હતી. આ ચેમ્પિયનશિપમાં 37 દેશોના લગભગ 247 બોક્સર ભાગ લઇ રહ્યા છે. તેમાં ભારત તરફથી 5 મહિલા બોક્સર અને 6 પુરૂષ બોક્સર ભાગ લઇ રહ્યા છે.