ભારતની સ્ટાર શટલર પીવી સિંધુઍ ઇન્ડોનેશિયા ઓપનની મહિલા સિંગલ્સમાં સેમી ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે. સિંધુઍ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને સીધી ગેમમાં હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર 1000 ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં હવે સિંધુનો સામનો બીજી ક્રમાંકિત ચાઇનીઝ ખેલાડી ચેન યુ ફેઇ સાથે થશે.
ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી અને પાંચમી ક્રમાંકિત સિંધુઍ જાપાનની ત્રીજી ક્રમાંકિત ઓકુહારા સામે ક્વાર્ટર ફાઇનલમાં વધુ મહેનત કરવાની જરૂર પડી નહોતી. સિંધુઍ માત્ર 44 મિનીટમાં જ સીધી ગેમમાં ઓકુહારાને 21-14, 21-7થી હરાવી હતી. શરૂઆતથી જ સિંધુઍ મેચ પર પોતાની પકડ જમાવી રાખી હતી. ઍક સમયે સ્કોર 6-6ની બરોબરી પર હતો પણ ત્યાંથી જ સિંધુઍ રિધમ પકડીને સતત 4 પોઇન્ટ વડે 10-6ની સરસાઇ મેળવી લીધી હતી.