સતત બે ટુર્નામેન્ટમાં જાપાનની અકાને યામાગુચી સામે હારેલી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ મંગળવારથી અહી શરૂ થતી થાઇલેન્ડ ઓપનમાંથી છેક છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ. જ્યારે છેલ્લી બે ટુર્નામેન્ટમાં અનફીટ હોવાને કારણે રમી ન શકેલી સાઇના નેહવાલની આ ટુ્ર્નામેન્ટમાં વાપસી થઇ છે અને તે ભારત વતી મહિલા સિંગલ્સમાં દાવેદારી રજૂ કરશે.
ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં અને જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચી સામે હારેલી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની તૈયારીનું કારણ આગળ ધરીને થાઇલેન્ડ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યુ છે. સિંધુ ઉપરાંત જાપાનની સ્ટાર ખેલાડી નોઝોમી ઓકુહારા, અકાને યામાગુચી અને તાઇ ઝુ યિંગે પણ થાઇલેન્ડ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે.
સાઇના નેહવાલ આ ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં કવોલિફાયર સામે રમશે. પુરૂષ સિંગલ્સમાં શુભંકર ડે, સાઇ પ્રણીત, કિદામ્બી શ્રીકાંત. ઍચઍસ પ્રણોય, સમીર વર્મા, સૌરભ વર્મા અને અજય જયરામ પણ આ ટુર્નામેન્ટમાં રમવા ઉતરશે. કિદામ્બી શ્રીકાંત વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા ટાઇટલ જીતવાની ઇચ્છા ધરાવતો હશે.