નર્મદા જિલ્લામાં તેમજ કેવડિયા કોલોની વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું છે. બીજી તરફ જિલ્લામાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને બજારો ત્રણ દિવસ માટે સ્વંયમભૂ બંધ રાખવામાં આવ્યા છે. આજે સ્થનિકો જાગૃત બન્યા છે, પણ સરકાર જવાબદારી ક્યારે નિભાવશે તેવી રજૂઆત કરીને કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવા માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેન્દ્ર વાળંદ તેમજ મહિલા અગ્રણી દક્ષાબેન તડવી સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રવાસીઓના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે આ બાબતે કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્ર વાળંદે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓના કારણે અહીં ફરજ બજાવતા સ્થાનિકો અને આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે.
