ગુજરાતના સુરતનો ડાયમન્ડ ઉદ્યોગ બેહાલ થયો છે. કોરોના સંક્રમણના કારણે સુરતના ડાયમન્ડ કારાખાનાંને મોટો ધક્કો લાગ્યો છે. લોકડાઉનમાં મજૂરી છૂટી જતાં પરપ્રાંતિય હીરાઘસુઓ પોતાના વતન જતા રહ્યાં છે પરિણામે આ ઉદ્યોગને ન પૂરાય તેવી ખોટ પડી છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો કહે છે કે કોરોના સંક્રમણ ઓછું થાય તો પણ આ ઉદ્યોગને બેઠો કરવા માટે છ મહિના થી એક વર્ષનો સમય લાગી શકે છે.
ડાયમન્ડ એસોસિયેશનના એક અગ્રણીએ કહ્યું હતું કે 2020માં સુરતમાં રફ હીરાના કટીંગ અને પોલિસિંગના કામને ફટકો પડ્યો છે. એક જ વર્ષમાં રફ ડાયમન્ડની આયાતમાં 16.25 ટકાનો ચોંકાવનારો ઘટાડો થયો છે. જો કે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાસે રફ ડાયમન્ડનો પૂરતો જથ્થો છે પરંતુ અત્યારે કારીગરોની અછત છે. વિશ્વના બજારોમાં અત્યારે ડાયમન્ડની માંગ પણ ઓછી છે તેથી આ ઉદ્યોગની પડતી શરૂ થઇ છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઇસ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે ઉદ્યોગ પાસે બે મહિના ચાલે તેટલા રફ ડાયમન્ડનો સપ્લાય હતો. એ સાથે ભારત પાસે ત્રણેક મહિના ચાલે તેટલો તૈયાર પોલિસિંગ માલનો સ્ટોક પણ હતો. સુરતમાંથી લોકડાઉન દરમ્યાન 6 લાખ જેટલા હીરાઘસુઓ તેમના વતન જતા રહ્યાં છે અને તેઓ હમણાં પાછા આવે તેમ નથી તેમ છતાં સુરતના વેપારીઓને આશા છે કે જૂન સુધીમાં કારખાનાની કામગીરી શરૂ કરાશે.
ડાયમન્ડના વૈશ્વિક બજારમાં પણ ગયા વર્ષની સરખામણીએ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસને મોટો ફટકો પડ્યો છે. નિકાસમાં 42.52 ટકા ઘટાડો થયો છે. આ ઉપરાંત ચીન, હોંગકોંગ, યુએસએ, યુરોપ અને મધ્યપૂર્વનાં બજારોમાં કોવિડવાઇરસ ફાટી નીકળવાના કારણે માર્ચ મહિનામાં પાછલા વર્ષના સમાન મહિનાની તુલનાએ કટ અને પોલિસ્ડ હીરાની નિકાસ 48.31 ટકા ઘટી છે.
સુરતના ડાયમન્ડના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સુરતની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી આવતાં હજી એક વર્ષ જેટલો સમય થાય તેમ છે, કારણ કે કોરોનાની મહામારી હજી પાંચ થી છ મહિના સુધી તેનો પ્રકોપ ચાલુ રાખે તેવી સંભાવના છે. બીજી તરફ વતન ગયેલા કામદારો ઝડપથી પાછા આવી શકે તેમ નથી, તેમ છતાં જે કારખાનાદારોએ તેમના કામદારોને લોકડાઉન દરમ્યાન સાચવ્યા છે તેઓ આ ઉદ્યોગને જૂન મહિના પછી બળ આપે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.