ગાંધીનગર – લોકડાઉનના સમયમાં જેલના સત્તાધીશો કરૂણ બન્યાં છે. કેદીઓને કોરોનાનું સંક્રમણ લાગે નહીં તેનું ધ્યાન રાખે છે અને સાથે સાથે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવાનો મોકો પણ આપે છે. આવું જ એક કામ વડોદરાની જેલમાં જોવા મળ્યું છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓના શિક્ષણ, વાંચનાલય, ઉદ્યોગોના માધ્યમથી ઉત્પાદકીય પ્રવૃત્તિઓ, યોગ અને ધ્યાન દ્વારા આરોગ્ય રક્ષા જેવી અનેકવિધ કેદી કલ્યાણની પ્રવૃત્તિઓ ખૂબ લાંબાગાળાથી ચાલી રહી છે અને સુધાર ગૃહ તરીકે નામના મેળવી છે.
વર્તમાન કોરોના સંકટમાં વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક માનવતાસભર કામગીરી પ્રકાશમાં આવી છે, જેને લીધે લોકડાઉન હોવા છતાં આ જેલના કેદીઓ તેમના કુટુંબીજનોના સંપર્કમાં રહી શક્યા છે. તેને કારણે બંને બાજુઓ અમારા સ્વજન સલામત હોવાની ધરપત રહી છે.
જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે માર્ચમાં લોક ડાઉન જાહેર થતાં અવર-જવર અને વાહન વ્યવહાર બંધ થઈ ગયાં. કેદીઓને કોરોનાના સંક્રમણથી બચાવવાની તકેદારી રૂપે સમયાંતરે સ્વજનો સાથે રૂબરૂ મુલાકાતની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી. તેના પગલે લોકડાઉનના લાંબા ગાળા માટે કેદી બંધુઓ અને એમના કુટુંબીજનો લાંબા સમય સુધી સંપર્ક વિહોણા થઇ ગયા હતા.
જેલમાં કેદીઓ અને બહાર એમના સ્વજનો, એકબીજાના ક્ષેમકુશળ અંગે ચિંતિત રહે એવી સ્થિતિને ટાળવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બ્રોડબેન્ડ આધારિત વિડિયો કોલની સુવિધાની મદદ લેવામાં આવી હતી. આ ટેકનોલોજી કેદીઓ અને પરિવારજનો સાથેના સંવાદમાં મદદગાર બની છે.
જેલ અધિક્ષકે જણાવ્યું કે માર્ચ મહિનામાં 115 અને એપ્રિલ મહિનામાં 245 કેદીઓએ વિડિયો સંવાદની સુવિધા ઉપરાંત તેમના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરીને કોરોનાના કપરા સમયમાં એકબીજાના ખબર અંતર પૂછ્યાં હતા.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.