અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક, પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ એક એવી માઈક્રોચિપ અને ટેક્નિક વિકસિત કરી છે, જે તમારા શરીરમાં કોરોનાવાઈરસના લક્ષણને સરળતાથી ઓળખી કાઢશે અને બાદમાં વાઈરસને ફિલ્ટર દ્વારા લોહીમાંથી દૂર કરવામાં આવશે. આ નવી ટેક્નિકને ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (DARPA)એ વિકસિત કરી છે તેને બનાવનારી ટીમના મુખ્ય મહામારી નિષ્ણાત રિટાયર્ડ કર્નલ ડૉ. મેટ હેપબર્નને એ દાવો પણ કર્યો કે, કોવિડ-19 છેલ્લી મહામારી હશે. હવે આપણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના જૈવિક અને રાસાયણિક હુમલાથી બચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. માઈક્રોચિપ શરીરના કોઈપણ ભાગમાં ત્વચાની નીચે લગાવવામાં આવી શકે છે. તે શરીરમાં થતી દરેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા જણાવશે અને તેના દ્વારા મોકલેલા સંકેતો જણાવશ કે તમે કેટલા સમયમાં સંક્રમિત થવાના છો. માઈક્રોચિપમાં રહેશે અને તેને એ રીતે બનાવવામાં આવી છે કે તે લોહીનું સતત પરીક્ષણ કરીને રિપોર્ટ આપશે. તમે જ્યાં પણ હોવ ત્યાં તમે તમારું લોહી ચકાસી શકો છો. તેનું રિઝલ્ટ પણ 3થી 5 મિનિટની અંદર તમને મળી જશે. તપાસ અને રિઝલ્ટ તરત મળી રહ્યા હોવાથી, વહેલી તકે સંક્રમણ ફેલાય તે પહેલા જ વાઈરસ જ્યાં છે, ત્યાં જ તેને નષ્ટ કરી શકાય છે તેના માટે પેન્ટાગોનની એક સહયોગી પેથોલોજી સંસ્થાના સહયોગથી લોહીની તપાસ માટે ડાયાલીસીસ જેવું મશીન બનાવ્યું છે. તે લોહીમાંથી વાઈરસને સંપૂર્ણ રીતે દૂર કરે છે. ડૉ. હેપબર્નના જણાવ્યા પ્રમાણે, અમે એક સૈન્યકર્મી ‘પેશન્ટ -16’ પર તેનો પ્રયોગ કર્યો છે. આ મશીન દ્વારા તેના લોહીમાંથી વાઈરસને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યો અને હવે તે એકદમ સ્વસ્થ છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ મશીનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
