ગાંધીનગર — કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે તાજેતરમાં સીએ અને કોસ્ટ એકાઉન્ટની જુદી જુદી પરીક્ષા સ્થગિત કરીને નવી તારીખો જાહેર કરી છે. આજ રીતે હવે સીએ ઇન્સ્ટિટયૂટ દ્વારા પણ 19મી જૂનથી 4 જુલાઇ વચ્ચે લેવાનારી પરીક્ષા હાલ સ્થગિત કરીને પાછળ લઇ જવામાં આવી છે.
ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આ પરીક્ષા હવે તા.29મી જુલાઇથી લઇને 16મી ઓગસ્ટ વચ્ચે લેવાનું નક્કી કરાયું છે. જે પ્રમાણે ફાઉન્ડેશનની પરીક્ષા તા.7,9,11 અને 14મી ઓગસ્ટે લેવાશે. ઇન્ટર મીડિયેટ ગ્રુપ એકની પરીક્ષા તા.30મી જુલાઇ અને 2,4 અને 6 ઓગસ્ટના રોજ લેવાશે. ગ્રુપ બેની પરીક્ષા 8,10 અને 13 ઓગસ્ટ વચ્ચે લેવાશે.
ઇન્ટર મીડિયેટના નવા કોર્સની પરીક્ષાઓ પણ 30 જુલાઇથી 16મી ઓગસ્ટ વચ્ચે લેવાનુ નક્કી કરાયુ છે. સીએ ફાઇનલની પરીક્ષાઓમાં ગ્રુપ એકની પરીક્ષા 29,31 જુલાઇ અને 3 અને 5 ઓગસ્ટના રોજ લેવાશે. ગ્રુપ બેની પરીક્ષા 7, 9 ,11 અને 14 ઓગસ્ટના રોજ લેવાશે.
આજ રીતે ફાઇનલ નવા કોર્સની પરીક્ષા પણ તા.29, 31 જુલાઇ, 3 અને 5 ઓગસ્ટ અને ગ્રુપ બેની પરીક્ષા તા.7, 9,11 અને 14મી ઓગસ્ટના રોજ લેવાશે.સીએની પરીક્ષા તમામ રાજ્યોમાં એકસાથે લેવાની હોવાથી જ્યાં સુધી તમામ રાજ્યોમાં લોકડાઉન ખુલે નહીં ત્યાં સુધી પરીક્ષાનું આયોજન કરી શકાય નહીં. ગુજરાતમાંથી પણ ઘણાં વિદ્યાર્થીઓ સીએની તૈયારી કરતા હોય છે અને આ પરીક્ષામાં ભાગ લેતા હોય છે.