ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મગર વચ્ચે વર્ષોજૂનો નાતો લાગે છે, કેમ કે બાળપણમાં વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું પકડીને ઘરે લઇ આવ્યા હતા તેમ તેઓ 31મી ઓક્ટોબરે જ્યાં જવાના છે ત્યાં કેવડિયના જળાશયમાં મગરનું સામ્રાજ્ય છે. આ જળાશયમાં વડાપ્રધાન મોદીનું સી-પ્લેન ઉતરવાનું છે.
આગામી 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદના રીવરફ્રન્ટ થી કેવડિયા સુધી સી-પ્લેન મારફતે સફર કરવાના છે. અમદાવાદના સાબરમતીના કાંઠે વોટર એરોડ્રામ તો બનાવવામાં આવી રહ્યું છે પરંતુ તેની સાથે કેવડિયામાં જ્યાં સી-પ્લેન ઉતરવાનું છે ત્યાં પણ વોટર એરોડ્રામ બની રહ્યું છે.
કેવડિયામાં જે વોટર એરોડ્રામ બને છે ત્યાં મગરોની સંખ્યા વધારે હોવાથી ધીમે ધીમે આ મગરોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 128 જેટલા મગરો પકડીને એનજીઓને સ્થળાંતર માટે આપી દેવામાં આવ્યા છે. મોદી સરદાર પટેલ જન્મજ્યંતિએ ગુજરાતમાં પહેલી સી-પ્લેન સુવિધાનું ઉદ્દધાટન કરવાના છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે સી-પ્લેનનો પ્રયોગ કર્યો હતો.
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ થી સી-પ્લેન ઉડીને કેવડિયાના જળાશયમાં જશે. નર્મદા ડેમની નજીકમાં જળાળય-3ને વોટર એરોડ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જો કે આ જળાશયમાં મગરો દેખાઇ રહ્યાં છે તેથી તેમને રેસ્ક્યુ કરવા પડે તેમ છે. નર્મદા નિગમના એમડી ખુદ આ એરોડ્રામનું નિરીક્ષણ કરી રહ્યાં છે. આ જળાશયમાંથી ખસેડવામાં આવનારા મગરોને વન વિભાગ અને એનજીઓ દ્વારા બીજી જગ્યાએ લઇ જવાશે.
સૂત્રો કહે છે કે આ મગરોને સરદાર સરોવર જેમ અને ગીર ફાઉન્ડેશનમાં ખસેડવામાં આવશે. અંદાજ છે કે આ જળાશયમાં કે જ્યાં વોટર એરોડ્રામ બની રહ્યું છે ત્યાં 250થી વધુ મગરોનો વસવાટ છે. આમ પણ નર્મદા નદીમાં મગર વર્ષોથી રહેતા જોવા મળે છે. નદીનો પટ સુકાઇ જતાં મગરોનું સ્થાન જળાશયોમાં ખેંચાયું છે. હાલ રીવરફ્રન્ટ અને કેવડિયાના જળાશયમાં જેટી બનાવવામાં આવી રહી છે.