ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે કૃષિ સેક્ટરમાં કોઇપણ જાતના નિયંત્રણ મૂક્યાં નથી ત્યારે ઉનાળું પાકોમાં બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. જો કે ખેતરમાંથી પાક લેતી વખતે ખેડૂતોને મજૂરોની અછતનો સામનો કરવાનો રહેશે, કારણ કે પરપ્રાંત અને અન્ય જિલ્લાઓમાંથી આવતા મજૂરો તેમના વતન ભણી જતા રહ્યાં છે.
ગુજરાતમાં ઉનાળું પાકોમાં આ વર્ષે 127 ટકા વાવેતર થયું છે જે ગયા વર્ષની સરખામણીએ ખૂબ ઉંચું છે. ઉનાળું પાકોની એવરેજ કરતાં 27 ટકા વધારે છે તેથી આ વખતે જુવાર, બાજરી અને મકાઇનું ઉત્પાદન વધશે. કઠોળ પાકોમાં મગનું ઉત્પાદન સારૂં રહેશે. મગફળી ઉપરાંત ડુંગળી, શાકભાજી, ઘાસ અને ગુવારનું ઉત્પાદન પણ આશાસ્પદ છે.
ગયા વર્ષે ઉનાળું પાકોમાં જે નુકશાન થયું હતું તે આ વર્ષે નહીં હોવાથી 7.58 લાખ હેક્ટરની એવરેજ સામે આ વર્ષે 9.60 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જે ગયા વર્ષની સરખામણીએ બે લાખ હેક્ટરનો વધારો દર્શાવે છે. આ વખતે પાણી પણ ઉપલબ્ધ છે તેથી ઉત્પાદકતા સારી મળશે.
કોરોનાના કારણે દેશમાં મોટા ભાગનાં સેક્ટરની હાલત ખરાબ છે ત્યારે એગ્રી-ઈનપુટ સેક્ટર ઘણા અંશે સુરક્ષિત રહ્યું છે. કૃષિ ક્ષેત્ર માટે સરકારી મધ્યસ્થીના કારણે નજીકના ગાળામાં તે ઝડપથી રિકવર થાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે જે ખેતી માટે ફાયદાકારક રહેશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના રોગચાળા વચ્ચે પણ ખેતીની પ્રવૃત્તિમાં અવરોધ ન આવે તેવા પ્રયાસ કરી રહી છે તેથી બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશકો જેવી ચીજોની માંગ જળવાઈ રહેશે જેને આવશ્યક ચીજોની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તેથી આ સેક્ટરમાં બિઝનેસ હજુ પણ સામાન્ય છે. આ વખતે ગુજરાતમાં પણ 96 થી 104 ટકા વરસાદ થવાની સંભાવના છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.