ગુજરાત સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો પ્રવેશ ત્યારે થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. એ સમયે સચિવાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘડિયાળના કાંટે નહીં, સરકારની ઇચ્છાશક્તિ પ્રમાણે કામ કરતા હતા.
મોદીના શાસનમાં ત્રણ ઇમારત–મહાત્મા મંદિર, સ્વર્ણિમ સંકુલ અને ગિફ્ટ સિટી– એટલી ઝડપથી બનાવવામાં આવી છે કે આજે આવી કોઇ ઇમારત આટલી ઝડપથી બનતી નથી. મોદીના સમયથી ચાલતા આવેલા આજે 150 જેટલા પ્રોજેક્ટ્સમાં વિલંબ થઇ રહ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ થયો છે. 2007ની યોજના 13 વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી. કલ્પસર યોજના તો કલ્પના જ રહી છે. હાલની સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો અભાવ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 4610 દિવસનું શાસન કર્યું છે પરંતુ કામની ઝડપ અને ઇચ્છાશક્તિ ગજબની જોવા મળી હતી.
રાજ્ય સરકારના એક સિનિયર અધિકારી કે જેમણે મોદી સરકારમાં મહત્વનો રોલ અદા કર્યો છે તેમણે કહ્યું હતું કે સાતમા પગાર પંચ પછી અધિકારીઓ તેમજ કર્મચારીઓના પગારમાં અનેકગણો વધારો થયો છે પરંતુ કામની ઝડપ ઓછી થઇ છે. રાજ્યની જનતાના કામોમાં અસહ્ય વિલંબ થઇ રહ્યો છે. નિર્ણયશક્તિનો અભાવ જણાય છે.
હવે તો ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કહે છે કે– “અમે મંત્રી છીએ તો પણ અમારે કામ કરાવવા માટે વહીવટી તંત્રની પાછળ પડવું પડે છે. ફોલોઅપ કરવું પડે છે. અધિકારીઓ પાસે ઉઘરાણી કરવી પડે છે. કામ માટે સાત કોઠા પાર કરવાના હોય છે” અહીં એક સવાલ એવો થાય છે કે સરકારે કામ કે ફાઇલના નિકાલ માટેનું ટાઇમટેબલ બનાવ્યું છે પરંતુ તે માત્ર આદેશ છે, વહીવટી તંત્રને તેની ફરજ પાડવામાં આવતી નથી.