ગાંધીનગર— જો કેન્દ્ર સરકાર નિર્ણય કરે તો ગુજરાત સરકાર પણ દુકાનો અને રેસ્ટોરન્ટ સહિતના ધંધા-રોજગાર રાત્રે મોડે સુધી ચાલુ રાખવા માટે તૈયાર છે તેવું રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે અનલોક-1 30મી જૂને પૂર્ણ થાય છે તે પહેલાં 1લી જુલાઇથી બાકીનું લોકડાઉન હટાવવું કે કેમ તેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત સરકારને વિવિધ સંગઠનો તરફથી રજૂઆત મળી છે કે દુકાનો અને ધંધા-રોજગાર રાત્રે મોડા સુધી ખુલ્લા રાખવામાં આવે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઘરાકી રાત્રે થતી હોવાથી તેને રાત્રે ખુલ્લા રાખવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન તરફથી રજૂઆતો મળી છે પરંતુ કેન્દ્ર સરકાર જો છૂટ આપે તો ગુજરાત પણ છૂટ આપવા તૈયાર છે.
એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારે રાત્રીના નવ થી સવારના સાત વાગ્યા સુધી લોકડાઉન રાખવામાં આવે છે તેનો સમય ઘટાડીને રાત્રીના 11 થી સવારે 7 કલાકનો કરવામાં આવે તેવી સંભાવના છે. એટલે કે સવારે સાત વાગ્યા પછી રાત્રીના નવ વાગ્યા સુધી દુકાનો, મોલ્સ અને ધંધા-રોજગારના સ્થળો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતના અન્ય રાજ્યોની સાથે ગુજરાતને પણ અનલોક-2માં રાહતો મળે તેવી સંભાવના છે.
રાજય સરકાર સામે કરવામાં આવેલી બે મુખ્ય માગણીઓમાં કહેવામાં આવ્યું છે કે દુકાનો-ધંધાકીય એકમો ખુલ્લા રાખવાના કલાકો વધારવામાં આવે અને રાત્રી કર્ફ્યૂનો સમય ઘટાડવામાં આવે. દુકાન-ધંધાકીય એકમો નિશ્ચિત સમય કરતાં વધુ ખુલ્લા રાખવા અને રાત્રિ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા પર પોલીસ તરફથી હેરાનગતિ થતી હોવાની ફરિયાદો પણ મળી છે.
ગુજરાતમાં હાલ ચાલી રહેલા અનલોક-1માં દુકાનો અને ધંધાકીય એકમો સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાય છે. કર્ફ્યૂ રાત્રે 9 થી સવારના 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં ફરતા લોકોને સમસ્યા નડી રહી છે, કારણકે પોલીસ રાત્રી કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરાવે છે. એસટી બસ દ્વારા શહેરમાં 9 વાગ્યા પછી આવતા લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે.
હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો તેમજ દુકાન માલિકો અને અન્ય ધંધાકીય એકમોના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે, સાંજે સાત વાગ્યા સુધી દુકાનો, રેસ્ટોરન્ટ અને અન્ય એકમો ખુલ્લા રાખવાના નિયમને કારણે મોટું આર્થિક નુકશાન થઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને મહામારી સંબંધિત અન્ય પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપીને સમય મર્યાદા પરથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી શકાય છે. જો કે, આ રાહત કેંદ્ર સરકારની મંજૂરી પછી જ શકય છે.