ઉરુગ્વેના સ્ટાર સ્ટ્રાઇકર ડિએગો ફોરલાને ફૂટબોલને અલવિદા કરી દીધી છે. ફોરલાને 2010ના ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ 5 ગોલ કરીને ગોલ્ડન બોલ જીત્યો હતો. ફોરલાનનના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે જ ઉરુગ્વેની ટીમ 40 વર્ષ પછી સેમી ફાઇનલમાં પહોંચી હતી. સેમી ફાઇનલમાં તેઓ નેધરલેન્ડ સામે 2-3થી હારી ગયા હતા અને ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં પણ જર્મની સામે તેમનો 2-3થી જ પરાજય થયો હતો.
ફોરલાનના નેતૃત્વમાં ઉરુગ્વેની ટીમ 2011માં કોપા અમેરિકામાં ચેમ્પિયન બની હતી. તે સમયે ફાઇનલમાં તેમણે પેરાગ્વેને 3-0થી હરાવ્યું હતું. ફોરલાન માન્ચેસ્ટરની સાથે પ્રીમિયર લીગ અને એફએ કપ જીત્યો હતો. તે પછી એટલેટિકોની સાથે 2010માં યુરોપા લીગ પણ જીત્યો હતો. ફોરલાન 2016માં ઇન્ડિયન સુપર લીગમાં મુંબઇ સીટી વતી 11 મેચ રમ્યો હતો અને તેમાં તેણે 5 ગોલ કર્યા હતા.
40 વર્ષના ફોરલાને નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતું કે 21 વર્ષની કેરિયર પછી મેં પ્રોફેશનલ ફૂટબોલર તરીકે નિવૃ્ત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. શ્રેષ્ઠતમ યાદો અને લાગણીઓ સાથે એક શ્રેષ્ઠતમ પ્રવાસનો અંત કરી રહ્યો છું. હવે હું નવા પડકારોનો સામનો કરીશ.