વોશિંગ્ટન : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નીચા વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો અને કોરોના વાઈરસની અસરમાંથી અર્થતંત્ર ઝડપથી સુધરી રહ્યું હોવા છતાં અન્ય સરળ નીતિઓ માટેની પોતાની કટિબદ્ધતાનો ફેડરલ રિઝર્વે પૂનરોચ્ચાર કર્યો હતો.
ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠક બાદ વ્યાજ દર શૂન્યથી ૦.૨૫ ટકાની રેન્જમાં જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હોવાનું કમિટિ દ્વારા બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. કમિટિનો આ નિર્ણય અપેક્ષા પ્રમાણે જ આવી પડયો છે.
ગયા વર્ષના જુનથી ફેડરલ દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડસ ખરીદ કરી રહ્યું છે જેથી બજારમાં ધિરાણ દર નીચા રહે. મહત્તમ રોજગાર અંગેના કમિટિના અંદાજીત સ્તર સાથે લેબર માર્કેટ સુસંગત નહીં થાય ત્યાંસુધી નીચા વ્યાજ દરની નીતિ ચાલુ રખાશે. અમેરિકામાં ફુગાવો પણ ટૂંક સમયમાં ઊંચે જવાના માર્ગે છે.
નીચા વ્યાજ દરની સ્થિતિ ૨૦૨૩ સુધી ચાલુ રહેશે એમ ફેડરલ ચેરમેન જેરોમ પોવેલે અગાઉ જણાવ્યું હતું. અર્થતંત્રમાં રિકવરી હજુ અસ્પષ્ટ છે અને તે સંપૂર્ણ સ્તરે પહોંચવાથી દૂર છે એમ તેમણે જણાવ્યું હતું. વધુ પ્રગતિ જોવા મળવામાં થોડોક સમય લાગશે.
કોરોનાની કટોકટીએ અર્થતંત્ર પર હજુપણ દબાણ ચાલુ રાખ્યું છે અને આર્થિક આઉટલુક સામેનું જોખમ હજુ પણ ચાલુ છે એમ નિવેદનમાં જણાવાયું હતું.