મહિલા વિભાગની ટોચની ક્રમાંકિત જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાને હરાવીને સ્વિટ્ઝરલેન્ડની બેલિન્ડા બેનસિચે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે તેનો સામનો ક્રોએશિયાની 23મી ક્રમાકિત ડોના વેકિક સાથે થશે. આ સિવાય 25મી ક્રમાંકિત એલિસ મર્ટેન્સે અમેરિકાની વાઇલ્ડ કાર્ડ હોલ્ડર ક્રિસ્ટી અનને જ્યારે કેનેડાની 15મી ક્રમાંકિત બિયાન્કા એન્દ્રિસ્કુએ અમેરિકન ક્વોલિફાયર ટેલર ટાઉનસેન્ડને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
બેનસિચે ઓસાકાને 7-5, 6-4થી હરાવી હતી, આ પરાજયને કારણે હવે તે નંબર વનનું પદ ગુમાવશે અને તેના સ્થાને અશ્લે બાર્ટી સોમવારે ફરી નંબર વન પર પહોંચી શકે છે. વેકિકે જર્મનીની 26મી ક્રમાંકિત જ્યોર્જેસને 6-7, 7-5, 6-3થી હરાવી હતી. આ તરફ મર્ટેન્સે ક્રિસ્ટીને 6-1, 6-1થી જ્યારે એન્દ્રિસ્કુએ ટાઉનસેન્ડને 6-1, 4-6, 6-2થી હરાવી હતી.
મહિલા સિંગલ્સમાં એલિના સ્વિતોલિના અને યોહાના કોન્ટા વચ્ચે પહેલી ક્વાર્ટર ફાઇનલ રમાશે, જ્યારે બીજી ક્વાર્ટર ફાઇનલમાં સેરેના વિલિયમ્સ અને વાંગ કિયાંગ વચ્ચે મુકાબલો થશે. તે પછી એન્દ્રેસ્કુ અને મર્ટેન્સ અને બેનસિચ તેમજ વેકિક વચ્ચે ક્વાર્ટર ફાઇનલ રમાશે.