ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારે તેના કર્મચારીઓ માટે પણ કેટલીક ગાઇડલાઇન બહાર પાડી છે. ખાસ કરીને ગુજરાત સરકારની કચેરીઓ પૈકી જે કચેરીઓ કે વિભાગોને કોરોના વાયરસના સંદર્ભમાં કોઇ ડ્યુટી સોંપવામાં આવી નથી તેમણે તેમના વિભાગોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ગ-4 થી વર્ગ-2 સુધીના કર્મચારીઓ માટે ઓફિસોમાં 50 ટકા હાજરી રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે બિનજરૂરી વિભાગો અને તેને સંલગ્ન કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનની કચેરીઓને બંધ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ટાસ્કફોર્સની બેઠકમાં કોરોના વાયરસ સંદર્ભે સમીક્ષા કરી હતી.
ટાસ્કફોર્સ સમિતિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો આ પ્રમાણે છે….
1. મુખ્યમંત્રીના અધ્યક્ષપદની આ કોર કમિટીની બેઠક દરરોજ પાંચ કલાકે મળશે.
2. 31મી માર્ચ સુધી આવશ્યક સેવાઓ સિવાયની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
3. કચેરીની કામગીરી અગત્યતા મુજબ ન્યૂનત્તમ સ્ટાફ સાથે કચેરીઓ ચાલુ રાખી શકાશે.
4. રાજ્યની શાળાઓના ધોરણ 1 થી 8 – 9 અને 11માં માસ પ્રમોશન અપાશે.
5. શાળા-કોલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકોને પણ 31મી માર્ચ સુધી રજા આપવામાં આવી છે.
6. ગુજરાતમાં રોજ પંચાવન લાખ લીટર દૂધ પાઉચનું વિતરણ થાય છે. અમૂલના 1600 પાર્લર ચાલુ છે.
7. રાજ્યમાં શાકભાજીના 64 માર્કેટ કાર્યરત છે અને પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવાઇ રહ્યો છે.
8. નાગરિકો સંગ્રહાખોરી ન કરે તેનો આદેશ આપવામાં આવ્યો છે, કેમ કે તેમને નિયમિત પુરવઠો મળી રહેશે.
9. મુખ્યમંત્રી રાજ્યના મહાનગરોમાં હોમ કવોરેન્ટાઇન થયેલા વિદેશથી આવેલા સાત નાગરિકો સાથે સીએમ ડેશબોર્ડના જનસંવાદ કેન્દ્રથી સીધો સંપર્ક કરી રહ્યાં છે.
10. કોઇ ચીજવસ્તુના નિર્ધારીત ભાવથી વધુ ભાવ ન લેવાય તેમજ સંગ્રહખોરી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવી રહી છે.
11. ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે 12 વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે.
12. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે
13. રાજ્યમાં લોકો મોટા પ્રમાણમાં કયાંય એકત્ર ન થાય, ભીડભાડ ન થાય અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સમગ્ર રાજ્યમાં બસ સેવાઓ સહિતની ટ્રાન્સપોર્ટ સેવાઓ, આવશ્યક સેવાઓ સિવાયની કચેરીઓ-સંસ્થાઓ પણ 31મી માર્ચ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
14. રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ સચિવાલય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં પણ ભીડભાડ અટકાવવા કમર્ચારીઓની હાજરીને નિયંત્રીત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
15. આવશ્યક સેવાઓ એટલે કે પોલીસ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને તેને સંલગ્ન કચેરીઓ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને તેની સંલગ્ન કચેરીઓ, કલેકટર કચેરી, પંચાયત તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ અને નગરપાલિકા, મહાનગરપાલિકાની આવશ્યક – તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની ફરજો ચાલુ રહેશે.
16. ગેસ, વીજ વિતરણ કંપનીઓ, પાણી પુરવઠા સંલગ્ન કચેરીઓ અને માહિતી-પ્રસારણ તંત્રની કચેરીઓ પણ યથાવત કામગીરી બજાવશે. તે સિવાયના વિભાગોની કચેરીઓ 31મી માર્ચ સુધી બંધ રહેશે.
17. રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિની યોગ્ય અને સાચી માહિતી લોકો સુધી પહોચી શકે તે માટે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિ મિડીયાને દરરોજ સવારે 10 અને રાત્રે 8 કલાકે બ્રિફીંગ આપશે.
18. કાયદો વ્યવસ્થા તેમજ લોકડાઉન અમલીકરણ અંગેની વિગતો પોલીસ મહાનિદેશક દરરોજ બપોરે 4 કલાકે આપશે તેમજ જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સ્થિતી અને અન્ય અગત્યના નિર્ણયોની માહિતી દરરોજ બપોરે 2 વાગ્યે માહિતી સચિવ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ મિડીયાને આપશે.
19. નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય રાજ્યમંત્રી, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવોની આ કોર કમિટીની બેઠક રોજ સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે.