ભારતનો સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે અહીં અમેરિકન પ્રોફેશનલ સર્કિટમાં ધમાકેદાર પ્રદાર્પણ કરીને પોતાનાથી ઘણા અનુભવી ઍવા માઇક સ્નાઇડરને તકનીકી નોકઆઉટ દ્વારા પછાડીને જીત મેળવી હતી. ભારતીય સમય અનુસાર રવિવારે વહેલી સવારે રમાયેલી આ 8 રાઉન્ડની મિડલવેટ બાઉટમાં હરિયાણાના 33 વર્ષિય બોક્સરે ચાર રાઉન્ડમાં જમાવેલા પ્રભુત્વથી સિર્કટમાં સતત 11મો વિજય મેળવ્યો હતો.
વિજેન્દરે બાઉટ પછી કહ્યું હતું કે લાંબા સમય પછી રિંગમાં વાપસી કરવી જોરદાર રહી છે. અહીં અમેરિકામાં આવવું અને જીતવું ખરેખર શ્રેષ્ઠ રહ્યું છે. આ સાચે જ ઘણું રોમાંચક હતું. હું અમેરિકામાં વિજય સાથે પદાર્પણ કરીને ઘણો ખુશ છું. આ વિજય તેને ચોથા રાઉન્ડની બીજી મિનીટમાં મળ્યો હતો. જ્યારે વિજેન્દરે સ્નાઇડરને સતત સીધા પંચ મારીને પછાડી દીધો હતો અને તેના કારણે રેફરીઍ બાઉટમાં ભારતીયને વિજેતા જાહેર કરવા માટે બાધ્ય થવું પડ્યું હતું.
વિજેન્દરે મેચ પછી કહ્યું હતું કે મને પ્રભુત્વ સ્થાપવામાં 4 રાઉન્ડ લાગ્યા હતા. મેં જોકે 2 અથવા 3 રાઉન્ડની આશા રાખી હતી પણ મને 4 રાઉન્ડ લાગી ગયા. આ વિજેન્દરની 8મી નોકઆઉટ જીત રહી હતી. સમગ્ર બાઉટમાં 38 વર્ષના સ્નાઇડરના પંચમાં કોઇ જોર દેખાયું નહોતું. જ્યારે ઍક વર્ષ કરતાં પણ વધુ સમય પછી વાપસી કરી રહેલા વિજેન્દરના પંચ ઘણા સચોટ અને પાવરફુલ રહ્યા હતા. સ્થાનિક પ્રબળ દાવેદાર સ્નાઇડર સામે વિજેન્દરને ક્યાંય જોખમ લાગ્યું નહોતું.