નવી દિલ્હી, તા. 04 : ભારતની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટે વારસા ખાતે ચાલી રહેલી પોલેન્ડ ઓપન રેસલિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 53 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં વિનેશનો આ સતત ત્રીજો ગોલ્ડ મેડલ રહ્યો છે. આ 24 વર્ષિય રેસલરે ફાઇનલમાં સ્થાનિક રેસલર રુકસાનાને 3-2થી હરાવી હતી.
વિનેશે આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ સ્વીડનની સોફિયા મેટસનને હરાવી હતી અને વિનેશે ગત મહિને સ્પેનમાં ગ્રાંપ્રી અને તુર્કીના ઇસ્તંબુલમાં યાસુર દોગુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.