ગાંધીનગર – ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ રોજ સવારે એક ચીજની માગણી કરી છે અને તેઓ તેની પ્રતિક્ષા કરતા હોય છે. આમ તો શિયાળામાં પીવાની ચીજ છે પરંતુ હાલ કોરોનાના સંક્રમણ વચ્ચે ઉનાળામાં પણ પિવાઇ રહ્યું છે. દર્દીઓ ચા માગે છે પરંતુ વ્યસન છે તેવી ચા નહીં પણ હર્બલ ટી માગતા જોવા મળે છે.
ઘરે તો ક્યારેય આવી ચા પીધી નહીં હોય પરંતુ અત્યારે હર્બલ ટીનું દર્દીઓને વ્યસન થયું છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આયુષ મંત્રાલયે સૂચવેલી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની આદતો શરૂ કરવા કહ્યું છે.
કોવિડની અમદાવાદ સ્થિત હોસ્પિટલોમાં દર્દીઓને આયુર્વેદિક ચા આપવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર લઈ રહેલા દર્દીઓને સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ સંદર્ભે દેખરેખ માટે જેમની ખાસ નિમણૂંક કરાઇ છે તેવા પંકજ કુમારે જણાવ્યું હતું કે કે, વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે દર્દીઓને કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે.
આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથે ડાયેટ પ્લાન અપાય છે એટલું જ નહીં તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે હર્બલ ચાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. રોજ સવારે છ વાગ્યે તમામ દર્દીઓને હર્બલ ટી આપવામાં આવે છે. ગળાનું ઇન્ફેકશન ઘટાડવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આ હર્બલ ટી ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે. સારવાર લઈ રહેલા એક દર્દી કહે છે કે ‘ અમે જ્યારથી હર્બલ ટી પીવાનું શરૂ કર્યું છે ત્યારથી શરીરમાં નવી ચેતનાનો સંચાર થયો છે.
અમે સ્પષ્ટ માનીએ છીએ કે અન્ય એલોપેથિક દવાઓની સાથે સાથે આ હર્બલ ટીના પ્રયોગથી અમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી ચા માટે)…તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી.આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.