ગાંધીનગર — ગુજરાતમાં રાજકીય નેતાઓ માટે કેવા દિવસો આવ્યા છે કે લોકોને એકત્ર કર્યા વિના ચૂપચાપ ઘેરબેઠાં વિકાસના કામોના લોકાર્પણ કરવા પડી રહ્યાં છે. કોઇપણ પ્રોજેક્ટનું ઉદ્દધાટન કરવાનું હોય તો રાજકીય નેતાઓ પબ્લિક ભેગી કરીને જનસભાઓ કરતા હતા પરંતુ હવે એ દિવસો કોરોના સંક્રમણે છીનવી લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ પણ ઘેરબેઠાં કરવા પડ્યાં છે.
રૂપાણીએ આજે રાજ્યમાં 9 કરોડ 80 લાખ ના ખર્ચે નવા બનેલા 4 બસ મથકોનો ઇ લોકાર્પણ તેમજ 28 કરોડ 15 લાખ ના ખર્ચે તૈયાર થયેલી 5 આરટીઓ કચેરીઓના લોકાર્પણ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે કોરોના સમયમાં ફિજીકલ નહીં પણ ડિજીટલ માધ્યમથી આપણે લોકાર્પણ કરી રહ્યાં છીએ. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાત ઝડપથી કોરોના ફ્રી થાય તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. એસટી નિગમના કર્મચારીઓ કોરોના સમયમાં પણ મુસાફરોને સુવિધા આપી રહ્યાં છે તે સરાહનિય છે. લોકાર્પણ સમયે મુખ્યમંત્રી પ્રવચન કરવાનું ચૂક્યાં નથી.આજે લોકાર્પણ થયેલા બસ મથકોમાં ગાંધીનગરના માણસા, બનાસકાંઠાના લાખણી છોટાઉદેપુરના સંખેડા અને તાપી જિલ્લાના કુકર મુંડાના બસ મથકો તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, છોટાઉદેપુર અને આણંદની આરટીઓ કચેરીનો સમાવેશ થાય છે.