ગાંધીનગર — રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને વિજેતા બનાવવા માટે કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા અને બળવાખોર આઠ ધારાસભ્યો પૈકી માત્ર ત્રણને ભાજપની ટિકીટ મળી શકે તેમ છે, બાકીના પાંચ ધારાસભ્યોને પાર્ટીએ અલગ રીતે સાચવી લીધા છે. કોંગ્રેસ છોડીને જનારા ધારાસભ્યો પૈકી એકમાત્ર મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલી આ આઠ બેઠકોની પેટાચૂંટણી થશે ત્યારે પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા આઠ સભ્યોને ફરીથી ટિકીટ આપવાના મૂડમાં નથી. તેમને જ્યારે રાજીનામાં અપાવ્યા હતા ત્યારે તેમની સાથે બીજી કોઇ શરત કરી ન હતી તેથી તેમનું રાજકીય ભાવિ ડામાડોળ થયું છે. બ્રિજેશ મેરજાની સાથે સોમાભાઇ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજા અથવા તો જેવી કાકડિયાને ભાજપ પેટાચૂંટણીમાં ટિકીટ આપે તેવી સંભાવના છે.
ગુજરાતમાં 2017માં વિધાનસભાની ચૂંટણી થઇ હતી ત્યારે ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ ઉપરાંત એનસીપીના એક, બીટીપીના બે અને અપક્ષ તરીકે જીજ્ઞેશ મેવાણી ચૂંટણી જીત્યા હતા. આજે સ્થિતિ એવી છે કે કોંગ્રેસના સભ્યો પાર્ટી છોડીને જતા રહ્યાં છે અને પાર્ટીની વિધાનસભામાં સંખ્યા ઘટીને માત્ર 65 થતાં રાજ્યસભાની ચૂંટણીમાં બીજી બેઠક મેળવવા માટે પાર્ટીના સિનિયર નેતાઓને ધમપછાડા કરવા પડી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે આ ધારાસભ્યોને ભાજપે ખરીદી લીધા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાંથી સાત ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા જે પૈકી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, પુરૂષોત્તમ સાબરિયા અને આશા પટેલ વિજેતા થયાં હતા જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી હારી ગયા હતા. એ ઉપરાંત વલ્લભ ધારિયાની જગ્યાએ ભાજપે રાધવજી પટેલને ટિકીટ આપી હતી. બીજી તરફ ચાર બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી હતી જે પરબત પટેલે ખાલી કરી હતી. પેટાચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વિજેતા થયા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરનારા ધારાસભ્યો .
1.જેવી કાકડિયા – ધારી
2.સોમાભાઇ પટેલ – લીંમડી
3.પ્રવિણભાઇ મારૂ – ગઢડા
4.પ્રદ્યુમનસિંહ જાડેજા – અબડાસા
5.મંગળ ગામીત – ડાંગ
6.બ્રિજેશ મેરજા – મોરબી
7.જીતુ ચૌધરી – કપરાડા
8.અક્ષય પટેલ – કરજણ
ગુજરાતમાં વિધાનસભાની પક્ષવાર સ્થિતિ
ભાજપ ……. 103
કોંગ્રેસ …….. 65
બીટીપી ……..02
એનસીપી …….01
અપક્ષ ………01
ખાલી બેઠકો …. 10
કોંગ્રેસને મદદ કરનારા આ ધારાસભ્યોએ ભાજપના રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા માટે અને કોંગ્રેસને એક ઉમેદવારને હરાવવા માટે ધારાસભ્ય પદેથી રાજીનામાં આપી દીધાં છે. કોંગ્રેસ તરફથી પ્રથમ પ્રેફરન્સના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ છે જ્યારે બીજી બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉભા છે, જ્યારે ભાજપના અભય ભારદ્વાજ અને રમિલા બારા સત્તાવાર ઉમેદવાર છે. ભાજપની આ બન્ને બેઠકો સલામત છે જ્યારે નરહરિ અમીનની ત્રીજી બેઠક માટે ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર મંડરાયેલી હતી. ભાજપે તેનું ધાર્યું નિશાન પાર પાડ્યું છે.