ગાંધીનગર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની રિસર્ચર ટીમ દ્વારા એક એવું માસ્ક બનાવવામાં આવ્યું છે કે જે કોરોના સંક્રમણના સમયે બિનજોખમી છે. યુનિવર્સિટીની ટીમે 3-ડી પ્રિન્ટેડ માસ્ક બનાવ્યા છે જે લોકડાઉનના સમયમાં પોલીસને વિતરિત કરવામાં આવ્યા છે. આ માસ્કમાં એવી ડિઝાઇન છે કે જેના દ્વારા પહેરવામાં કોઇ તકલીફ પડતી નથી.
મહત્વની બાબત એવી છે કે કોઇ પણ પ્રકારના હ્યુમન કોન્ટેક વગર બનાવેલા આ માસ્ક લાઈટ વેઈટ, અનુકૂળ ડિઝાઈન અને સમગ્ર ચહેરાને રક્ષણ આપતા હોવાથી મોટા પ્રમાણમાં ઉપયોગી થઈ શકે છે. લોકડાઉનના સમયે સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને મેડીકલ ટીમ દર્દીઓ અને લોકોની સાથે ખડેપગે છે ત્યારે તેમની સલામતી જળવાય તે પણ જરૂરી છે. સાવચેતીના ભાગરૂપે તેમને માસ્ક તથા અન્ય ઉપકરણોનો સહારો લેવો અનિવાર્ય છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના રીસર્ચર્સ જયેશ અને અક્ષય માહિતકર દ્વારા દેશમાં પ્રથમ વખત અતિઆધુનિક 3D પ્રિન્ટેડ ફેસ શિલ્ડ (માસ્ક) બનાવવમાં આવ્યું છે. એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આ માસ્ક દ્વારા આંખ, નાક અને મોઢાના ભાગને રક્ષણ આપી શકાય છે. કોવિડ-19 વાઈરસનો ફેલાવો થતો અટકાવવા માટે આ પ્રકારના માસ્ક ખૂબ જ અસરકારક નિવડે છે. જેના દ્વારા સમગ્ર ચહેરાના ભાગને સંક્રમણથી બચાવી શકાય છે.
જીટીયુ ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના રીસર્ચર જયેશ માહિતકરના જણાવ્યા અનુસાર, આ 3D પ્રિન્ટેડ ફેસ શિલ્ડ દ્વારા કોઈપણ પ્રકારના ડ્રોપલેટ્સના સંક્રમણથી બચી શકાય છે. આ માસ્ક હ્યુમન કોન્ટેક્સ વગર બનેલા હોવાથી ચેપનો ફેલાવો થતો નથી. ઉપરાંત તેની ડિઝાઈન પણ કમ્ફોર્ટેબલ અને લાઈટ વેઈટ છે. જેનાથી દરેક વયની વ્યક્તિને પહેરવામાં સરળતા રહે છે. તેના નિર્માણમાં પોલી લેક્ટીક ઍસિડનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે સમાજસેવાના આ કાર્ય માટે અમે અમારી પેટર્ન અન્ય લોકોને ઉપયોગી બની રહે તેવા પ્રયત્નો કરીશું. તાજેતરમાં જ જીટીયુના ફાર્મસી ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવેલ સેનિટાઈઝરનું વિતરણ કર્યું હતું તે જ પ્રમાણે , જીટીયુના કુલપતિ નવિન શેઠના હસ્તે શહેરમાં ફરજ પર કાર્યરત પોલિસ કર્મચારીઓને માસ્કનું વિતરણ કરીને સમાજસેવાના આ કાર્યમાં વિશેષ યોગદાન આપ્યું છે. આગામી દિવસોમાં આ માસ્કનું વધુ ઉત્પાદન કરીને સરકાર અને જાહેર જનતા માટે જરૂરીયાત મુજબ વિતરણ કરાશે.