ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના હોમટાઉન રાજકોટમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાનો નિર્ણય કરતાં રાજ્યના બીજા વિસ્તારના લોકો નારાજ થયાં છે. જે જિલ્લામાં રાજકોટ કરતાં ઓછા કેસ છે તેવા જિલ્લામાં કેમ નહીં તેવા સવાલો ઉભા થયા છે. રાજકોટમાં 14મી મે થી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ અને વ્યવસાય શરૂ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું છે કે જિલ્લા કલેક્ટરો યોગ્ય શરતો નક્કી કરીને મંજૂરી તેમજ પરમિશન આપશે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું છે કે ઊદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક-કામદારો-શ્રમિકનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેકટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સ્ટેગર્ડ કરવાનું અવશ્ય પાલન કરવું પડશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયના બીજા જિલ્લામાં તીવ્ર પ્રત્યાધાત પડ્યાં છે. રાજકોટ કરતાં ઓછા કેસ છે તેવા વિસ્તારો અને જિલ્લાઓને આવી કોઇ છૂટ આપવામાં આવી નથી. શું રાજકોટ એ મુખ્યમંત્રીનું હોમ ટાઉન છે એટલે ત્યાં છૂટ આપવામાં આવી છે તેવા સવાલો થઇ રહ્યાં છે.ગુજરાતમાં સૌથી વધુ 6086 કેસો અમદાવાદમાં છે છતાં ત્યાં ઓનલાઇન પેમેન્ટ સાથે મંજૂરીઓ આપવામાં આવી છે જ્યારે સુરત, વડોદરા અને ગાંધીનગરને આવી કોઇ મંજૂરી નથી. ગાંધીનગરમાં કેસોની સંખ્યા 139 છે. સુરતમાં 914 કેસ છે. વડોદરામાં 547 છે. બાકીના શહેરો અને જિલ્લામાં પોઝિટીવ કેસોના આંકડા સિંગલ કે ડબલ ડિજીટમાં છે થતાં તે શહેર કે જિલ્લાને કોઇ મંજૂરી મળી નથી.