વર્લ્ડ આર્ચરી દ્વારા ગુરૂવારે ભારતીય આર્ચરી એસોસિએશનને પોતાની ગાઇડલાઇનનું પાલન ન કરવા મામલે સસ્પેન્ડ કરી દીધું છે અને આ મહિનાના અંત સુધીમાં ફેડરેશનની વ્યવસ્થા યોગ્ય કરવા માટે કહેવાયું છે. આ નિર્ણય સોમવારથી લાગુ થશે અને ભારતીય તિરંદાજો 19થી 25 ઓગસ્ટ દરમિયાન મેડ્રિડમાં યોજાનારી વર્લ્ડ આર્ચરી યૂથ ચેમ્પિયનશિપમાં ભારતીય રાષ્ટ્રધ્વજ હેઠળ ભાગ લેશે.
વર્લ્ડ આર્ચરીના મહામંત્રી ટોમ ડિલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્લ્ડ આર્ચરી જૂનમાં ભારતીય આર્ચરી એસોસિએશનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લાગુ કરી રહી છે. વર્લ્ડ આર્ચરીના કાર્યકારી બોર્ડે જુલાઇના અંત સુધીમાં નિરાકરણ શોધી કાઢવાની સમયમર્યાદા નક્કી કરી હતી, જો કે તે મામલે કોઇ કાર્યવાહી ન થવાના કારણે વિશ્વ સંચાલન સંસ્થાએ સસ્પેન્શનના આદેશને લાગુ કરી દીધો હતો. ડિલેને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો આ મહિનાના અંત સુધીમાં નિરાકરણ શોધવામાં નહીં આવે તો કાર્યકારી બોર્ડ નિર્ણય કરશે કે ભારતીય એથ્લેટોને એશિયન ચેમ્પિયનશિપ અને એશિયન પેરા ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તકને બચાવવા માટે શું કરી શકાય.