એશિયન અને ઇન્ટરનેશનલ લેવલે રેસલિંગમાં મેડલ જીતી ચુકેલી ફોગાટ બહેનોમાંની એક એવી ત્રીજા નંબરની સંગીતા ફોગાટ વિશ્વના નંબર વન રેસલર બજરંગ પુનિયા સાથે પરિણય સૂત્રમાં બંધાઇ જશે. સંગીતા ફોગાટ 59 કિગ્રામાં નેશનલ ચેમ્પિયન રહી ચુકી છે. બંને રેસલરના સંબંધને તેમના પરિવારજનોએ સ્વીકારીને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે 2020માં યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સ પછી આ બંને લગ્ન કરી લેશે. સંગીતાની મોટી બહેન બબીતા ફોગાટની પણ રેસલર વિવેક સુહાગ સાથે સગાઇ થઇ ચુકી છે.
બજરંગ હાલમાં ઓલિમ્પિક્સની તૈયારીમાં જોતરાયેલો છે. તો સંગીતા હાલમાં નેશનલ કેમ્પમાં પોતાની ઇજામાથી બહાર આવવા માટે સારવાર લઇ રહી છે. તેમના વિવાહ અંગેના અહેવાલને સંગીતાના પિતા અને કોચ મહાવીર ફોગાટે પુષ્ટિ કરી છે. ફોગાટ બહેનોમાંથી ગીતા ફોગાટ અને તેની પિતરાઇ બહેન વિનેશના લગ્ન થઇ ચુક્યા છે. મહાવીર ફોગાટે કહ્યું હતું કે હું બાળકોની ખુશીમાં ખુશ છું અને તેમની લાગણીઓનું સન્માન કરું છું. મેં હંમેશા તેમને કહ્યું છે કે તમારા જીવનસાથીની પસંદગી તમે જાતે કરો. હું સંગીતા બાબતે ખુશ છું અને આ બાબતે ટોક્યો ઓલિમ્પિક્સ પછી નિર્ણય લેવાશે.