હોર્મુઝ નહીં ખોલો તો ઈરાન પર થશે મોટો હુમલો: સીઝફાયર મીટિંગ પહેલા ટ્રમ્પની ગર્જના
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ઈરાનને કડક શબ્દોમાં ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો યુદ્ધવિરામનું પાલન કરવામાં નહીં આવે, તો અમેરિકા શાંત બેસશે નહીં. તેમણે કહ્યું કે, “અમારા સૈનિકો અત્યારે ઈરાનની આસપાસ માત્ર આરામ કરી રહ્યા છે. જો અમને લાગશે કે ઈરાન અમારી વાત માની રહ્યું નથી, તો તરત જ હુમલો શરૂ કરી દેવામાં આવશે.”
ટ્રમ્પની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાને સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવીને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વની એવી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલવાનો ઇનકાર કરી દીધો છે.
અમેરિકી સૈનિકો હુમલા માટે તૈયાર
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “જંગની વચ્ચે અમેરિકી સૈનિકોએ પોતાના દારૂગોળો અને શસ્ત્રો ફરીથી ભરી લીધા છે. તેઓ અત્યારે માત્ર હુમલો કરવા અને વિજય મેળવવાની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી વાસ્તવિક સમજૂતી લાગુ નહીં થાય, ત્યાં સુધી તમામ સૈનિકો ઈરાનની સરહદોની આસપાસ જ તૈનાત રહેશે. અમેરિકા પાછું આવી ગયું છે.”
પાકિસ્તાનમાં યોજાનારી મહત્વની બેઠક
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિના લેવિટના જણાવ્યા અનુસાર, શનિવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વની બેઠક યોજાવાની છે.
- અમેરિકાનું નેતૃત્વ: ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ.
- ઈરાનનું નેતૃત્વ: ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલીબાફ.
- મધ્યસ્થી: પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે.
ઈરાનનો આરોપ: અમેરિકા અને ઈઝરાયેલે તોડ્યો ભરોસો
બીજી તરફ, ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ પર યુદ્ધવિરામની શરતો તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, સીઝફાયરની શરતો મુજબ લેબનોન પર હુમલો ન કરવાનું નક્કી થયું હતું, પરંતુ તેમ છતાં બુધવારે ઈઝરાયેલે બેરૂતમાં ભીષણ હુમલા કરીને નરસંહાર કર્યો છે.
ઈરાની સંસદના સ્પીકર ઘાલીબાફે ઉમેર્યું કે અમેરિકાએ અત્યાર સુધીમાં યુદ્ધવિરામની 3 મુખ્ય શરતો તોડી છે. તેમણે ધમકી આપી છે કે જો આવું જ ચાલતું રહેશે, તો ઈરાન પોતાનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ બંધ નહીં કરે અને હોર્મુઝનો માર્ગ પણ બ્લોક જ રાખશે.

